BBC India probe into alleged overseas bidding violations
પ્રતિકાત્મક તસવીર (istockphoto)

બીબીસીની નવી દિલ્હી અને મુંબઈ ખાતેની ઓફિસોમાં બુધવારે સતત બીજા દિવસે આવકવેરાની સરવે કાર્યવાહી ચાલુ રહી હતી. બીજી તરફ બીબીસીએ તેના કર્મચારીઓને એક મેઇલ કરીને આવકવેરા અધિકારીઓને સહકાર આપવાનો અનુરોધ કર્યો છે. મેઇલમાં જણાવાયું છે કે તેઓ વ્યક્તિગત આવક અંગેના પ્રશ્નોના જવાબ આપવાનું ટાળી શકે છે, પરંતુ પગાર સંબંધિત અન્ય પ્રશ્નોના જવાબ આપવા માટે કહેવામાં આવ્યું છે. ફક્ત બ્રોડકાસ્ટ વિભાગમાં કામ કરતા લોકોએ ઓફિસ આવવાની જરૂર છે, જ્યારે અન્ય લોકો ઘરેથી કામ કરવાનું ચાલુ રાખી શકે છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, આવકવેરા સત્તાવાળાઓ 2012થી એકાઉન્ટની વિગતો ચકાસી રહ્યા છે. બીબીસીએ અગાઉ તેના સ્ટાફને આ ઘટનાક્રમ પર સોશિયલ મીડિયા પર ટિપ્પણી કરવાનું ટાળવા કહ્યું હતું.

દરમિયાન બ્રિટન સરકારના સૂત્રોએ જણાવ્યું હતું કે યુકે બીસીસી ઓફિસો પર ઇનકમ ટેક્સ સરવેને પગલે સ્થિતિ પર ચાંપતી નજર રાખી રહી છે. યુકે સરકાર તરફથી આ કાર્યવાહી સંબંધિત કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી, પરંતુ સૂત્રોએ જણાવ્યું હતું કે તેઓ ભારતમાં બીબીસીના કાર્યાલયો પર કરવામાં આવેલા ટેક્સ સર્વેક્ષણના અહેવાલો પર “નજીકથી દેખરેખ” કરી રહ્યા છે.

ભારતીય IT વિભાગની કાર્યવાહી પર પ્રતિક્રિયા આપતા યુકે સ્થિત બ્રિટિશ પબ્લિક બ્રોડકાસ્ટરે જણાવ્યું હતું કે તે સત્તાવાળાઓને “સંપૂર્ણ સહકાર” આપી રહ્યું છે અને આશા છે કે પરિસ્થિતિ “શક્ય તેટલી વહેલી તકે” ઉકેલાઈ જશે.
અધિકારીઓએ આક્ષેપ કર્યો છે કે આંતરરાષ્ટ્રીય ટેક્સેશન અને બીબીસીની પેટાકંપનીઓના ટ્રાંસફરના ભાવને લગતા મુદાઓમાં તપાસ માટે સરવે હાથ ધરાઇ રહ્યો છે. બીબીસીને ભૂતકાળમાં પણ નોટિસો જારી કરાઇ હતી. પરંતુ તેણે કોઇ જવાબ આપ્યો નથી. તેના લાભની રકમને તેણે નોંધપાત્ર પ્રમાણમાં ડાયવર્ટ કરી દીધા છે.

એડિટર્સ ગિલ્ડ ઓફ ઇન્ડિયાએ જણાવ્યું હતું કે આવકવેરાનું પગલું ચિંતાની બાબત છે. સત્તારૂઢ તંત્રની ટીકા કરતાં મીડિયા સંસ્થાનોને પરેશાન કરવા માટે સરકારી સંસ્થાઓના ઉપયોગ થઇ રહ્યો છે તેમ તેમણે ઉમેર્યું હતું. પત્રકારો અને મીડિયા સંસ્થાનોના અધિકારોને અસર ન થાય તે માટે આવી તમામ તપાસોમાં સાવચેતી અને સંવેદનશીલતા દાખવવી જોઇએ.

બીબીસી સામે કાર્યવાહીના મુદ્દે ભારતમાં રાજકીય પક્ષો વચ્ચે વાકયુદ્ધ થયું હતું. શાસક ભાજપે “ઝેરી, છીછરા અને એજન્ડા આધારિત રિપોર્ટિંગ” માટે બીબીસીની ટીકા કરી હતી અને કહ્યું છે કે આવકવેરા વિભાગને તેનું કામ કરવાની છૂટ આપવી જોઈએ. માહિતી અને પ્રસારણ પ્રધાન અનુરાગ ઠાકુરે મંગળવારે કહ્યું હતું કે કોઇ પણ કાયદાથી ઉપર નથી અને આવક વેરા વિભાગ બીબીસીની ઓફિસોમાં કરેલા સરવે અંગે તેની વિગતોની જાણ કરશે. આવક વેરા વિભાગ જ્યાં પણ ગેરરીતિઓ હોય ત્યાં સમયાંતરે સરવે હાથ ધરતો હોય છે. સરવે પૂર્ણ થયા બાદ તે માહિતી આપવા માટે પ્રેસ નોટ જારી કરે છે અથવા પ્રેસ બ્રીફિંગ કરે છે.

બીજી તરફ કોંગ્રેસે આ મુદ્દે મોદી સરકારની આકરી ટીકા કરી હતી. કોંગ્રેસના મહામંત્રી જયરામ રમેશે સરકાર પર પ્રહારો માટે હિન્દી ઉક્તિ ‘વિનાશકાલે, વિપરીત બુદ્ધિ’નો પ્રયોગ કર્યો હતો. તેમણે ઉમેર્યું કે અમે અદાણી મુદે જેપીસીની માગણી કરી રહ્યા છીએ, પરંતુ સરકાર બીબીસીની પાછળ લાગી છે.

LEAVE A REPLY

one + one =