કાનપુરમાં ગુરુવાર, 29 એપ્રિલ 2021ના રોજ ભૈરવઘાટ એરિયામાં પરિવારજનો મૃતકોની અંતિમવિધી કરી રહ્યા છે. (PTI Photo)

અમેરિકામાં બ્રાઉન યુનિવર્સિટીની સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થના ડીન અને જાહેર આરોગ્ય ક્ષેત્રના નિષ્ણાત ડૉ. આશિષ ઝાએ મંગળવારે એક પ્રેસ બ્રિફિંગમાં કહ્યું હતું કે, ભારતમાં હાલમાં કોરોના વાઈરસના રોગચાળાથી મૃત્યુ પામતા લોકોનો આંકડો સરકાર દ્વારા જાહેર કરવામાં આવે છે તેના કરતાં પાંચ ગણો વધારે, લગભગ દરરોજના 10,000નો છે.

ભારતમાં છેલ્લા કેટલાય દિવસોથી કોરોના વાઈરસના રોગચાળાના કારણે સ્થિતિ બેકાબુ છે, હોસ્પિટલ્સ દર્દીઓથી ઉભરાઈ રહી છે, દર્દીઓ માટે જગ્યા નથી, જે દાખલ થયેલા છે તે દર્દીઓ માટે વેન્ટીલેટર્સ, ઓક્સિજન જેવી જરૂરી સુવિધા કે જીવન રક્ષક દવાઓનો પણ પુરતો પુરવઠો નથી.

વાસ્તવમાં તો દરરોજ કોરોનાના ચેપનો ભોગ બનતા નવા દર્દીઓની સંખ્યા પણ સહેલાઈથી એક મિલિયન (10 લાખ) કરતાં વધારે હોવાની ધારણા છે, એમ આ ઈન્ડિયન અમેરિકન ફિઝિશિયને જણાવ્યું હતું. ટેસ્ટિંગની સામે પોઝિટિવિટીનો રેટ પણ લગભગ 30 થી 40 ટકા છે.

ભારતના મુખ્ય શહેરોને બાદ કરતાં બીજા વર્ગના શહેરોમાં તો સ્થિતિ ખૂબજ બદતર હોવાની શક્યતા છે, પણ નાના શહેરો અને ગામડાઓમાં શું ચાલી રહ્યું છે તેનો તો અંદાજ પણ મેળવવો ખૂબજ મુશ્કેલ છે.

જાહેર આરોગ્યની સલામતી પ્રત્યે તદ્દન બેદરકારી દાખવવામાં આવી હતી – ચૂંટણીઓ અને રાજકીય રેલીઓમાં માસ્ક વિના હજ્જારો લોકો જોડાયા હોવાના, ક્રિકેટ મેચના સ્થળોએ પણ મોટી મેદની અને સૌથી વધુ તો હરિદ્વારમાં કુંભ મેળામાં સમગ્ર દેશમાંથી એકંદરે પાંચ થી દસ કરોડ લોકો કોઈ સોશિયલ ડિસ્ટન્સિંગ કે માસ્ક વિના સામેલ થયા હતા અને તેના કારણે ચેપગ્રસ્ત લોકોની સંખ્યાનો જ્વાળામુખી ફાટ્યો હોવાનું ડૉ. ઝાએ કહ્યું હતું.