(Photo by Regi Varghese/Getty Images)

ભારત અને ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમ વચ્ચે રમાયેલી ડે-નાઈટ ટેસ્ટ મેચ રવિવારે (3 ઓક્ટોબર) ડ્રો થઈ હતી. મેચના છેલ્લા દિવસે ભારતની ટીમે 3 વિકેટે 135 રને પોતાની બીજી ઈનિંગ ડિકલેર કરી હતી અને ઓસ્ટ્રેલિયા માટે 32 ઓવરમાં 272 રનનો ટાર્ગેટ મુક્યો હતો. ઓસ્ટ્રેલિયન મહિલા ટીમ બે વિકેટે 36 રન કર્યા પછી બન્ને કેપ્ટને મેચ ડ્રો કરવાનો નિર્ણય લીધો હતો.

પ્રથમ ઈનિંગમાં ભારત તરફથી 127 રનની શાનદાર ઈનિંગ બદલ ભારતની સ્મૃતિ મંધાનાને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરાઈ હતી. ભારત તરફથી બીજી ઈનિંગમાં શેફાલી વર્માએ 91 બોલમાં 52 રન કર્યા હતા. તો મંધાના બીજી ઈનિંગમાં 31 રન કરી શકી હતી. પૂનમ રાવત 41 રન કરી અણનમ રહી હતી.

બીજી ઈનિંગમાં ઝૂલન ગોસ્વામીએ ભારત માટે શાનદાર શરૂઆત કરતાં એલિસા હીલીને 6 રનમાં જ આઉટ કરી હતી. એ પછી બેથ મૂની પણ 11 રન કરી પૂજા વસ્ત્રાકરનો શિકાર બની હતી. કેપ્ટન મેગ લેનિંગ 17 અને એલિસ પેરી 1 રન કરી અણનમ રહી હતી. ભારતે પ્રથમ ઈનિંગમાં સ્મૃતિ મંધાનાના 127 અને દીપ્તિ શર્માના 66 રન સાથે 377 રન કરી ઈનિંગ ડિકલેર કરી હતી. ઓસ્ટ્રેલિયાએ તેની પ્રથમ ઈનિંગ 9 વિકેટે 241 રને ડિકલેર કરી હતી. ભારત તરફથી મેચમાં પૂજાએ ચાર અને ઝૂલન ગોસ્વામીએ ત્રણ વિકેટ ઝડપી હતી.