(ANI Photo)

શ્રીલંકામાં એશિયા કપની બીજી મેચમાં ભારતે સોમવારે (4 સપ્ટેમ્બર) નેપાળ સામે 10 વિકેટે વિજય સાથે સુપર ફોરના રાઉન્ડમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું હતું. પાકિસ્તાન સામેની પ્રથમ મેચ વરસાદના વિઘ્નના પગલે પડતી મુકાયા પછી ભારતની બીજી મેચમાં પણ સોમવારે વરસાદે વિક્ષેપ તો ઉભો કર્યો જ હતો, પણ તે એકંદરે પહેલી મેચ જેટલો મોટો નહોતો. 

ભારતે ટોસ જીતી નેપાળને પહેલા બેટિંગમાં ઉતાર્યું હતું. ભારતીય ખેલાડીઓની કંગાળ ફિલ્ડીંગના પગલે નેપાળની ઈનિંગની શરૂઆતમાં જ ત્રણ કેચ ગુમાવી ભારતે નેપાળને નસીબદાર ઠરાવ્યું હતું. તેના પગલે, નેપાળ 48.2 ઓવર્સમાં 230 રનનો સંતોષકારક સ્કોર કર્યો હતો. તેના ઓપનર્સે 10 ઓવરમાં 65 રન કર્યા હતા. કુશલ ભુર્તેલે 38, આસિફ શેખે 58, સોમપાલ કામીએ 48 અને દીપેન્દર સિંઘે 29 રન કર્યા હતા, તો ભારત તરફથી મોહમદ સિરાજ અને રવિન્દ્ર જાડેજાએ 3-3 વિકેટ લીધી હતી.  

ભારતની ઈનિંગ શરૂ થયા પછી ત્રીજી ઓવરમાં વરસાદે વિક્ષેપ કર્યો હતો અને એકંદરે મેચ ટુંકાવીને 23 ઓવર્સની કરવામાં આવી હતી અને તેમાં ભારત સામે 145 રનનો ટાર્ગેટ આવ્યો હતો. પાકિસ્તાન સામે બન્ને ઓપનર્સ અને ટોપ ઓર્ડર નિષ્ફળ ગયા પછી સોમવારે બેટર્સ ઉપર દબાણ હતું ત્યારે રોહિત શર્મા અને શુભમન ગિલે જ એકપણ વિકેટ ગુમાવ્યા વિના, 20.1 ઓવરમાં ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો. રોહિત શર્માએ 59 બોલમાં પાંચ છગ્ગા અને છ ચોગ્ગા સાથે અણનમ 74 રન કર્યા હતા, તો ગિલે 62 બોલમાં એક છગ્ગા અને 8 ચોગ્ગા સાથે અણનમ 67 રન કર્યા હતા. 

LEAVE A REPLY

five × two =