રીઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (RBI)ના ગવર્નર શક્તિકાંતા દાસે તાજેતરમાં મુંબઇમાં જણાવ્યું હતું કે, ભારત ફોરેન એક્સચેન્જ વધારવા માટે ગોલ્ડ રીઝર્વમાં વધારો કરી રહ્યું છે. જોકે, તેમણે કેટલું સોનું ખરીદ્યું તે અંગે આંકડો આપ્યો ન હતો, પરંતુ કહ્યું હતું કે સત્તાવાર આંકડા દર્શાવે છે કે ગોલ્ડ રીઝર્વનું મૂલ્ય વધી રહ્યું છે. અધિકૃત આંકડા મુજબ ફોરેન એક્સચેન્જ રીઝર્વમાં ગોલ્ડનું મૂલ્ય 22 માર્ચના રોજ 51.487 બિલિયન ડોલર હતું, જે માર્ચ-2023ના અંતે રહેલા ગોલ્ડ રીઝર્વ મૂલ્ય કરતાં 6.287 બિલિયન ડોલર વધારે હતું. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સલ (WGC)ના તાજેતરના રિપોર્ટ અનુસાર આરબીઆઈએ જાન્યુઆરીના એક જ મહિનામાં 8.7 બિલિયન ડોલરનું સોનું ખરીદ્યું હતું, જે છેલ્લાં બે વર્ષમાં સૌથી વધુ છે. જાન્યુઆરી-2024ના અંતે રીઝર્વ બેન્કનું ગોલ્ડ હોલ્ડિંગ 812.3 ટન થયું હતું, જે અગાઉના મહિને 803.58 ટન હતું. છેલ્લાં બે મહિનામાં સોનાના ભાવમાં મોટો વધારો થયો છે. ગવર્નરે કહ્યું હતું કે ભારતનું વિદેશી હુંડિયામણ 29 માર્ચના રોજ 645.6 બિલિયન ડોલરની ઐતિહાસિક ટોચ પર પહોંચ્યું હતું. છેલ્લાં પાંચ વર્ષમાં આરબીઆઈએ ફોરેક્સ રીઝર્વ વધારવાના સતત પ્રયાસ કર્યા છે. ડોલર સામે રૂપિયો 2023માં અન્ય ઈમર્જિંગ માર્કેટ કરન્સીની સરખામણીમાં સ્થિર રહ્યો છે તેમ તેમણે કહ્યું હતું.

LEAVE A REPLY

eleven + six =