Tata group company will bring an IPO
પ્રતિકાત્મક તસવીર (istockphoto)

ફ્રી ટ્રેડ વાટાઘાટો અને ગયા મહિને વડા પ્રધાન જૉન્સનની સત્તાવાર મુલાકાતને પગલે, યુકે અને ભારત વચ્ચેના સંબંધો સતત વધતા જાય છે ત્યારે 2022 ગ્રાન્ટ થોર્ન્ટન ઇન્ડિયા મીટ બ્રિટન ટ્રેકરના નવીનતમ સંશોધન મુજબ યુકેમાં કાર્યરત ભારતીય કંપનીઓની સંખ્યામાં વધારો થયો છે. 2021ના સંશોધન વખતની 850 સામે હવે 900 કંપનીઓની ઓળખ કરવામાં આવી છે.

કન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રીના સહયોગથી વિકસાવવામાં આવેલી ગ્રાન્ટ થોર્ન્ટન ઈન્ડિયા મીટ બ્રિટન ટ્રેકરની નવમી આવૃત્તિના અહેવાલમાં જાણવા મળ્યું છે કે, રોગચાળાને કારણે અનિશ્ચિતતા અને વિક્ષેપ હોવા છતાં, ભારતીય કંપનીઓએ 2021 કરતા £3.6 બિલિયનથી વધુ એટલે કે કુલ £54.4 બિલિયનની સંયુક્ત આવકની જાણ કરી હતી. કંપનીઓએ 25,000 વધુ લોકોને એટલે કે કુલ 141,005 લોકોને રોજગારી આપી હતી. કોર્પોરેશન ટેક્સમાં £154.6 મિલિયન ટેક્સ વધુ એટલે કે કુલ £459.2 મિલિયન ટેક્સ ચૂકવ્યો હતો.

આ સંશોધનમાં યુકેમાં સૌથી ઝડપથી વિકસતી, જેનું ટર્નઓવર £5 મિલિયનથી વધુ હોય, વાર્ષિક આવકમાં ઓછામાં ઓછી 10%ની વૃદ્ધિ થઇ હોય અને યુકેમાં લઘુત્તમ બે વર્ષનો ટ્રેક રેકોર્ડ હોય તેવી ભારતીય કંપનીઓને પણ જાહેર કરાઇ હતી. આ વર્ષે, 37 કંપનીઓએ ટ્રેકરમાં દેખાવા માટેના ક્વોલિફાઇંગ માપદંડોને પૂર્ણ કર્યા હતા. જેમણે સરેરાશ 38%થી વધુ વૃદ્ધિ દર હાંસલ કર્યો હતો. વાર્ષિક ધોરણે આવક વૃદ્ધિ દ્વારા સૌથી ઝડપથી વિકસેલી ત્રણ કંપનીઓ MSSL (GB) Ltd (248%), Prodapt (UK) Ltd (114%) અને Route Mobile (UK) Ltd (98%) હતી.

મોટાભાગની સૌથી ઝડપથી વિકસતી કંપનીઓ લંડન સ્થિત (46%) હતી. તે પછી નોર્થની (22%) અને સાઉથની (14%) કંપનીઓ હતી. સતત નવમા વર્ષે, ટેક્નોલોજી અને ટેલિકોમ કંપનીઓએ ટ્રેકર પર પ્રભુત્વ ધરાવ્યું છે, તે પછી ફાર્માસ્યુટિકલ્સ અને કેમિકલ્સ સેક્ટર (27%) અને એન્જિનિયરિંગ અને મેન્યુફેક્ચરિંગ (14%) આવે છે.

ગ્રાન્ટ થોર્ન્ટન યુકે એલએલપીના પાર્ટનર અને સાઉથ એશિયા બિઝનેસ ગ્રુપના વડા અનુજ ચાંદેએ જણાવ્યું હતું કે “યુકેમાં કાર્યરત ભારતીય કંપનીઓની સંખ્યામાં વધારો થયો છે અને કેટલીકે ટ્રિપલ ડિજિટ વૃદ્ધિ મેળવી છે. આવતું વર્ષ ભારત અને યુકે માટે તેમના ગાઢ અને પરસ્પર લાભદાયી સંબંધો વિકસાવવાનું ચાલુ રાખવા માટે ઘણી તકો પૂરી પાડે છે. ભાવિ ફ્રી ટ્રેડ ડીલ વાટાઘાટો બંને દેશોને પહેલા કરતાં વધુ નજીક લાવવાની ક્ષમતા ધરાવે છે. તે એક શાશ્વત આર્થિક સંબંધ માટે માર્ગ મોકળો કરશે અને બંને દેશોના લોકોને લાભ આપે છે.”

કન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રી (CII)ના ડાયરેક્ટર જનરલ ચંદ્રજીત બેનર્જીએ ઉમેર્યું હતું કે “યુકે અને ભારત વચ્ચેનો સંબંધ સતત વિકાસ પામી રહ્યો છે અને ભારતીય કંપનીઓની સતત વૃદ્ધિ થઈ રહી છે. યુકેના વડા પ્રધાનની તાજેતરની ભારત મુલાકાત બાદ, બંને દેશો હવે લાંબા ગાળાના ઉદ્દેશનો સંકેત આપતા ફ્રી ટ્રેડ ડીલ પર વાટાઘાટો શરૂ કરીને ભવિષ્ય માટે તેમના સંબંધોને વધુ ગાઢ બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરી શકે છે.”

યુકેમાં ભારતના હાઈ કમિશનર, સુશ્રી ગાયત્રી ઈસાર કુમારે કહ્યું હતું કે “રોગચાળા છતાં, યુકેમાં ભારતીય વ્યવસાયોએ તેમના સંયુક્ત ટર્નઓવરને વિસ્તારવામાં અને નોકરીઓની સંખ્યામાં વધારો કરવામાં સફળતા મેળવી છે.”

ઇન્વેસ્ટમેન્ટ મિનિસ્ટર ગેરી ગ્રિમસ્ટોને કહ્યું હતું કે “અમારા નજીકના વેપારી ભાગીદારોમાંના એક તરીકે, ભારતીય કંપનીઓ યુકેમાં પ્રભાવશાળી યોગદાન આપે છે. અમે ભારત સાથે નવા રોકાણ અને નિકાસ ભાગીદારીમાં £1 બિલિયનથી વધુ સુરક્ષિત કર્યા છે, યુકેમાં હેલ્થકેરથી લઈને ઇલેક્ટ્રિક વાહનો સુધીના ક્ષેત્રોમાં લગભગ 11,000 નોકરીઓનું સર્જન કર્યું છે અને 140,000 લોકોને ઉમેર્યા છે. મને વિશ્વાસ છે કે અમારી ભાગીદારી વધુ મજબૂત બનશે અને 2030 સુધીમાં અમારા રાષ્ટ્રો વચ્ચે વેપાર બમણો કરવાના અમારા ધ્યેયને પૂર્ણ કરીશું.”