ભારતમાં ડિજિટલ ઇન્ડિયાના માહોલની વચ્ચે અર્થતંત્રમાં રોકડ વ્યવહારમાં વધારો જોવા મળ્યો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2016માં નોટબંધી લાગુ કર્યા પછી નાણાકીય વ્યવહારોમાં પારદર્શીતા લાવવા, નોટોના પ્રિન્ટિંગ, પરિવહનનો ખર્ચ ઘટાડવાના હેતુથી ડિજિટલ વ્યવહારોનું પ્રમાણ વધારવા પર ભાર મૂકતા તેમાં નોંધપાત્ર વધારો થયો છે. આમ છતાં, ભારતમાં રોકડ વ્યવહારો અંગે ભારતીય રિઝર્વ બેન્કના તાજેતરના રીપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, બજારમાં રોકડ વ્યવહારોમાં વધારો થયો છે. ગત વર્ષમાં ચલણી નોટોના પ્રમાણમાં સરેરાશ 10 ટકાનો વધારો થયો છે. ચલણી નોટોમાં રૂ. 500ની નોટોનું પ્રમાણ સૌથી વધુ છે જ્યારે આરબીઆઈના નિયંત્રણોના પગલે રૂ. 2000ની નોટોનું પ્રમાણ ઘટ્યું છે. એજ રીતે આ સમયમાં સિક્કાનું ચલણ પણ વધ્યું છે. સિક્કાના ચલણમાં મૂલ્યની દ્રષ્ટિએ ૪.૧ ટકા અને સંખ્યાની દ્રષ્ટિએ ૧.૩ ટકાનો વધારો થયો છે. બજારમાં કુલ સિક્કાઓમાં રૂ. 1, 2, અને 5નું કુલ યોગદાન સંખ્યાની રીતે 83.5 ટકા અને મૂલ્યની દ્રષ્ટિએ 75.8 ટકા છે.
ભારત સરકારે નોટબંધી પછી નાણાકીય વ્યવહારો પારદર્શી બને એ માટે ડીજીટલ પેમેન્ટની ક્રાંતિ ઉપર ભાર મુક્યો હતો. બેન્કના પોર્ટલ, મોબાઈલ એપ, પેમેન્ટ વોલેટ અને અન્ય રીતે નાણાકીય વ્યવહારો થાય એના માટે કેન્દ્ર સરકાર દ્વારા ખાસ પ્રોત્સાહન આપવામાં આવે છે. રીઝર્વ બેંકના રીપોર્ટ મુજબ દેશમાં ચલણમાં રહેલી નોટોનું પ્રમાણ ૯.૯ ટકા વધી રૂ.૩૧,૦૫,૭૨૧ કરોડ થઇ ગયું છે. એની સાથે નોટોની સંખ્યા પણ પાંચ ટકા વધી ૧૩.૦૫ લાખ થઇ ગઈ હોવાનું જણાવાયું છે. રિઝર્વ બેન્કે તેના વાર્ષિક અહેવાલમાં વર્ષ ૨૦૨૦-૨૧માં ચલણી નોટોનું પ્રમાણ ૧૬.૮ ટકા વધ્યું હોવાનું જણાવ્યું હતું. વર્ષ ૨૦૧૬માં નોટબંધી અમલમાં આવી ત્યારે દેશમાં કુલ રોકડ ચલણ રૂ.૧૭ લાખ કરોડ આસપાસ હતું. આ છ વર્ષમાં ચલણી નોટનું પ્રમાણ કે રોકડનું પ્રમાણ બમણા જેટલું વધ્યું છે.