ભારતની દેવભૂમિ-ઉત્તરાખંડમાં જાણીતી ચારધામ યાત્રા કોરોના મહામારીના કારણે બે વર્ષ સુધી બંધ રહ્યા પછી આ વર્ષે ફરી શરૂ થતાં શ્રદ્ધાળુઓ-સ્થાનિક લોકોએ રાહત અનુભવી હતી. જોકે, આ વર્ષે એક મહિનાથી ઓછા સમયમાં આ યાત્રામાં 78થી વધુ યાત્રીઓના મોત થયા હોવાનું બહાર આવ્યું છે.
હિમાલયના પર્વતોમાં ઊંચાઈ પર આવેલા પવિત્ર સ્થળોએ જતાં અનેક યાત્રીઓનાં મોત હૃદય બંધ પડી જવાના કારણે થયા છે. જોકે, આ વર્ષે ૩ મે ના રોજ યમુનોત્રી અને ગંગોત્રી મંદિરોના ખૂલવાની સાથે ચારધામ યાત્રા શરૂ થયા પછી આ સીઝનમાં યાત્રીઓના મોતમાં અસાધારણ વધારો થયો છે.
દરેક વર્ષે એપ્રિલ-મેથી ઑક્ટોબર-નવેમ્બર સુધી લગભગ છ મહિના ચાલતી ચારધામ યાત્રાની સંપૂર્ણ સીઝન દરમિયાન ૨૦૧૯માં ૯૦થી વધુ, ૨૦૧૮માં ૧૦૨ અને ૨૦૧૭માં ૧૧૨થી વધુ શ્રદ્ધાળુઓનાં મોત થયા હતા જ્યારે આ વર્ષે યાત્રા શરૂ થયાના એક મહિનાના સમયમાં ૭૮થી વધુ શ્રદ્ધાળુઓનાં મોત થતાં ચિંતા ઊભી થઇ છે. કેદારનાથમાં મફત મેડિકલ સુવિધા પૂરી પાડતી સિક્સ સિગ્મા હેલ્થકેરના વડા પ્રદીપ ભારદ્વાજે જણાવ્યું કે, અનુકૂળ મિકેનિઝમની ગેરહાજરી, યાત્રીઓની નબળી રોગપ્રતિકારક શક્તિ, મોટાભાગના શ્રદ્ધાળુઓ કોરોનાનો ભોગ બની ચૂક્યા હતા, અનિશ્ચિત હવામાન અને આ વર્ષે યાત્રીઓના અસાધારણ ધસારાને ધ્યાનમાં રાખતાં અપૂરતી વ્યવસ્થા જેવા પરિબળોના કારણે તેમના વધુ મોત થયા છે.
કેદારનાથના અનેક યાત્રીઓનાં મોત હાયપોથર્મિયા (શરીરનું તાપમાન એકદમ નીચે જતા રહેવું)ના કારણે થયા હતા. અત્યંત ઠંડીની પરિસ્થિતિના કારણે વ્યક્તિના શરીરનું તાપમાન એકદમ નીચે જતું રહેતું હોય છે. કેદારનાથમાં હવામાન એકદમ અનિશ્ચિત હોય છે. બપોર સુધી તડકો હોય અને અચાનક જ વરસાદ પડે છે. કેદારનાથના ત્રણ કિ.મી.ના વિસ્તારમાં વરસાદથી બચવા કોઈ આશ્રયસ્થળ ન હોવાથી યાત્રીઓ પલળી જાય છે અને હાયપોથર્મિયાનો ભોગ બને છે.
ચારધામ યાત્રા દરમિયાન મૃત્યુ પામેલા ૭૮ યાત્રીઓમાંથી સૌથી વધુ ૪૧ લોકોનાં મોત કેદારનાથમાં થયા હતા. સરકારે જાહેર કર્યું છે કે કોરોનાનો ભોગ બનેલા યાત્રીઓએ ખાસ તો વૃદ્ધોએ આ વર્ષે ચારધામ યાત્રા કરવાનું ટાળવું જોઈએ, પરંતુ શ્રદ્ધાળુઓ આ સૂચનાઓને નજરઅંદાજ કરી રહ્યા છે.