NEW DELHI: COVID-19 INDIA UPDATE : PTI

ભારતમાં રવિવારે સતત સાતમાં દિવસે કોરોનાના નવા કેસનો આંકડો ત્રણ લાખથી નીચો રહ્યો હતો, જોકે 3,741 લોકોના મોત થયા હતા. ભારતમાં 9મે 2021ના રોજ કોરોનાના 4 લાખથી વધુ નવા કેસ બાદ કોરોનાના કેરમાં ઘટાડો ચાલુ થયો છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે રવિવારે સવારે જણાવ્યું હતું કે છેલ્લાં 24 કલાકમાં નવા 2.4 લાખ કેસ સાથે કુલ કેસનો આંકડો વધીને 2,65,30,132 થયો હતો. દેશમાં એક્ટિવ કેસની સંખ્યા વધુ ઘટીને આશરે 28 લાખ થઈ હતી, જે કુલ કેસના 10.57 ટકા છે. રાષ્ટ્રીય કોરોના રિકવરી રેટ સુધરીને 88.30 ટકા થયો હતો.

મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશમાં અત્યાર સુધી કોરોનાથી રિકવર થયેલા લોકોની સંખ્યા વધીને 2,34,25,467 થઈ છે, જ્યારે મૃત્યુદર 1.13 ટકા રહ્યો હતો. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના જણાવ્યા અનુસાર 22મે 2021ના રોજ દેશમાં 21,23,782 લોકોના કોરોના ટેસ્ટ થયા હતા.

દેશમાં થયેલા કુલ 3,741 મોતમાંથી મહારાષ્ટ્રમાં 682, તમિલનાડુમાં 448, કર્ણાટકમાં 451, ઉત્તરપ્રદેશમાં 218, પંજાબમાં 201, દિલ્હીમાં 181, કેરળમાં 176, પશ્ચિમ બંગાળામાં 154, ઉત્તરાખંડમાં 134, આંધ્રપ્રદેશમાં 118 અને રાજસ્થાનમાં 115 લોકોના મોત થયા હતો.