ભારતમાં શનિવારે કોરોનાના નવા 13,216 કેસ નોંધાયા હતા. દેશમાં આશરે 113 દિવસ બાદ પ્રથમ વાર 13,000થી વધુ કેસ નોંધાયા છે. નવા દૈનિક કેસો સાથે દેશમાં કોરોનાના કુલ કેસ વધીને આશરે 4.32 કરોડ થયા છે. શનિવારે 23 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક વધીને 5,23,840 થયો હતો. નવા 5,045 એક્ટિવ કેસ સાથે કુલ એક્ટિવ કેસની સંખ્યા પણ વધીને 68,108 થઈ છે. હાલમાં એક્ટિવ કેસની ટકાવારી કુલ કેસના 0.16 ટકા છે, જયારે કોરોના રિકવરી રેટ 98.63 ટકા છે.

છેલ્લાં સાત દિવસથી કોરોનાના કેસોમાં ઉછાળો આવ્યો હોય તેવા જિલ્લા અને વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં સેમ્પલ જિનોમ સિકવન્સિંગ માટે મોકલવાની રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને સૂચના આપવામાં આવી છે. કોરોનાના નવા વેરિયન્ટ્સ કે સબ-વેરિયન્ટની ચકાસણી માટે કોરોના ડેટાની સમીક્ષા કર્યા બાદ INSACOGએ શુક્રવારે આ સૂચના આપી હતી.

અધિકારીઓએ જણાવ્યું હતું કે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને મોટી સંખ્યામાં સેમ્પલ મોકલવાની સૂચના પાછળનો હેતુ ઓમિક્રોનના હાલના વેરિયન્ટ અને હાલની મહામારીની સ્થિતિ વચ્ચેના સહસંબંધ પર ચાંપતી નજર રાખવાનો છે. સેન્ટિનેલ સર્વલન્સ મારફત રૂટિન સિકવન્સિંગ દરમિયાન નવા સબ વેરિયન્ટ અંગે અમે કોઇ મહત્ત્વના સંકેતને ચુકી જઈએ છીએ કે નહીં, તે પણ અમે જાણવા માગીએ છીએ.

હાલમાં 10 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશમાં કોરોનાના આશરે 1,000થી વધુ કેસ છે. આવા રાજ્યોમાં મહાષ્ટ્ર, કેરળ, દિલ્હી, કર્ણાટક, તમિલનાડુ, હરિયાણા, ઉત્તરપ્રદેશ, તેલંગણા, પશ્ચિમ બંગાળ અને ગુજરાતનો સમાવેશ થાય છે.

અધિકારીએ જણાવ્યું હતું કે હાલમાં દેશમાં ચિંતા ઊભી થાય તેવો કોઇ વેરિયન્ટ નથી. ભારતમાં હાલ BA.2 ઉપરાંત BA.4 અને BA.5 વેરિયન્ટ છે, જે ઓમિક્રોનના બીજા સબ વેરિયન્ટ કરતા વધુ ઝડપથી ફેલાય છે.

હાલમાં ભારતના 32 જિલ્લામાં કોરોનાનો વીકલી પોઝિટિવિટી રેટ 10 ટકાથી વધુ છે, જ્યારે દિલ્હીના નવ સહિત કુલ 35 જિલ્લાં વીકલી પોઝિટિવિટી રેટ 5થી 10 ટકાની છે. 10 ટકાથી ઊંચો વીકલી પોઝિટિવિટી રેટ 10 ટકાથી વધુ છે તેવા કેરળમાં 11 અને મહારાષ્ટ્રમાં પાંચ જિલ્લા છે.