ભારતમાં શુક્રવાર સવાર સુધીમાં કોરોના વાઇરસના કેસોની સંખ્યા 45 લાખને વટાવી ગઈ છે. દેશમાં અત્યાર સુધીનો મૃત્યુઆંક 76,271 થયો છે. એક દિવસમાં દેશમાં કોરોનાના નવા 96,551 કેસ નોંધાયા હતા, જે વિક્રમજનક છે. શુક્રવાર સુધીમાં રિકવર થયેલા લોકોની સંખ્યા પણ 35 લાખ થઈ હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના ડેટા શુક્રવારે સવાર આઠ વાગ્યા સુધીમાં અનુસાર દેશમાં કોરોના વાઇરસના કેસોની કુલ સંખ્યા 45,62, 414 થઈ છે, જ્યારે રિકવર થયેલા લોકોની સંખ્યા 35,42,663 થઈ છે. તેમાં કોરોનાને કારણે મૃત્યુદર વધુ ઘટીને 1.67 થયો છે, જ્યારે રિકવરી રેટ વધીને 77.65 ટકા થયો છે. દેશમાં હાલ 9,43,480 એક્ટિવ કેસ છે, જે કુલ કેસના આશરે 20.68 ટકા છે.
બુધવારે અને ગુરુવારે દેશમાં 95,000થી વધુ કેસો નોંધાયા હતા. ભારતમાં સાત ઓગસ્ટે કોરોના વાઇરસના કેસોની સંખ્યા 20 લાખને અને 23 ઓગસ્ટે 30 લાખને તથા પાંચ સપ્ટેમ્બર 40 લાખને વટાવી ગઈ હતી.

CMRના જણાવ્યા અનુસાર 10 સપ્ટેમ્બર સુધીમાં આશરે 5.40 કરોડના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું, જેમાંથી 11,63,542 સેમ્પલનું ટેસ્ટિંગ શુક્રવારે થયું હતું. આ મહામારીમાં અત્યાર સુધીમાં 76,271 લોકોના મોત થયા છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ 28,282 લોકોનું અને તમિલનાડુમાં 8,154 લોકોનું મોત થયું છે. આ ઉપરાંત કર્ણાટકમાં 6,937 લોકો અને આંધ્રપ્રદેશમાં 4,702 લોકોનું મોત થયું છે. ગુજરાતમાં અત્યાર સુધી આ મહામારીએ 3,164 લોકોનો ભોગ લીધો છે.