ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રશિયાથી ક્રૂડ ઓઇલની ખરીદી બંધ કરવાની ખાતરી આપી હોવાના અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના દાવા અંગે પ્રતિક્રિયા આપતા નવી દિલ્હીમાં રશિયન રાજદૂત ડેનિસ અલીપોવે ગુરુવારે જણાવ્યું હતું કે વૈશ્વિક બજારમાં રશિયન ક્રૂડ ઓઇલ સૌથી વધુ સસ્તો વિકલ્પ છે અને ભારત સાથે રશિયાના ઊર્જા સંબંધો નવી દિલ્હીના રાષ્ટ્રીય હિતોને અનુરૂપ છે. રશિયન રાજદૂતે રશિયાને ભારતનો સૌથી વિશ્વસનીય ઊર્જા ભાગીદાર દેશ ગણાવીને જણાવ્યું હતું કે સંરક્ષણ, વેપાર, કનેક્ટિવિટી અને ટેકનોલોજી સહિતના ક્ષેત્રોમાં એકંદર સંબંધોને વધારવાની તક છે.
પશ્ચિમી દેશોએ પ્રતિબંધો મૂક્યા હોવા છતાં ભારત રશિયા પાસેથી ડિસ્કાઉન્ટમાં ક્રૂડ ઓઇલની ખરીદી કરી રહ્યું છે અને રિફાઇન્ડ પ્રોડક્ટ્સ યુરોપ સહિતના બીજા દેશોને વેચી પણ રહ્યું છે. આ મુદ્દે તાજેતરમાં નવી દિલ્હી અને વોશિંગ્ટન વચ્ચેના વેપાર સંબંધો કથળ્યાં છે.
ટ્રમ્પે જણાવ્યું હતું કે યુક્રેનમાં યુદ્ધનો અંત લાવવા માટે રશિયન પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિન પર માત્ર નાણાકીય દબાણ લાવવા માટે અમેરિકા ઇચ્છે છે કે ભારત રશિયન ક્રૂડની ખરીદી બંધ કરે. રશિયા-યુક્રેન યુદ્ધ સમાપ્ત થયા પછી ભારત મોસ્કો સાથે ઉર્જા વેપાર ફરી શરૂ કરી શકે છે.
ભારત પરંપરાગત રીતે ક્રૂડ ઓઇલ માટે મધ્યપૂર્વના દેશો પર નિર્ભર હતું, પરંતુ ફેબ્રુઆરી 2022માં યુક્રેન યુદ્ધ પછી રશિયાથી ક્રૂડ ઓઇલની આયાતમાં નોંધપાત્ર વધારો કર્યો કર્યો છે. પશ્ચિમી પ્રતિબંધો અને યુરોપિયન માંગમાં ઘટાડો થવાને કારણે રશિયન તેલ ભારે ડિસ્કાઉન્ટ પર ઉપલબ્ધ બન્યું છે. તેના પરિણામે રશિયાથી ભારતની ક્રૂડ ઓઇલની આયાત એક ટકાથી વધુને 40 ટકા થઈ છે.
