ભારતમાં કેટલાંક મહત્વના આર્થિક મથકો ખાતે લોકડાઉન, નાઇટ કર્ફ્યુ તથા હેરફેર પર નિયંત્રણો જેવા પગલાંને કારણે એક સપ્તાહમાં દેશને ૧.૨૫ બિલિયન ડોલરનું નુકસાન થવાનો અંદાજ છે. ભારતના વિવિધ રાજ્યોમાં લેવાયેલા પગલાં મેના અંત સુધી ચાલુ રહેશે તો નુકસાનાનો એકંદર આંક ૧૦.૫૦ બિલિયન ડોલર અથવા જીડીપીના ૦.૩૪ ટકા સુધી પહોંચી શકે છે, એમ બ્રિટનના બ્રોકરેજ બાર્કેલેઝના ૧૨ એપ્રિલના રિપોર્ટમાં જણાવાયું હતું.

વિવિધ પ્રકારના નિયંત્રણોથી ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં જીડીપી વૃદ્ધિમાં ૧.૪૦ ટકા નુકસાન થઈ શકે છે. માર્ચ ૨૦૨૧માં તૈયાર કરેલા એક રિપોર્ટમાં બાર્કેલેઝે બે મહિના સુધીના કોવિડ નિયંત્રણોને કારણે ૫.૨૦ બિલિયન ડોલર જેટલું નુકસાન જવાનો અંદાજ મૂકયો હતો. વર્તમાન નાણાં વર્ષનો આર્થિક વિકાસ દર હાલમાં ૧૧ ટકા અંદાજવામાં આવ્યો છે, પરંતુ અંકુશો વધુ કડક બનાવાશે તો જીડીપીમાં ઘટાડા તરફી જોખમ હોવાની રિપોર્ટમાં ચેતવણી ઉચ્ચારવામાં આવી છે.

ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન તથા તામિલનાડુ જેવા મહત્વના આર્થિક મથકો ખાતે કોરોનાના કેસો વધી રહ્યા છે. આ અગાઉ રેટિંગ એજન્સી કેરના એક રિપોર્ટમાં કોરોનાના કેસમાં થઈ રહેલા વધારાને કારણે મહારાષ્ટ્ર તથા દેશના અન્ય રાજ્યોમાં લાગુ કરાયેલા મિનિ લોકડાઉન સહિતના પગલાંને પરિણામે દેશની વર્તમાન નાણાં વર્ષની ગ્રોસ વેલ્યુ એડેડ (જીવીએ) વૃદ્ધિમાં ૦.૩૨ ટકાનો ફટકો પડવાનો અંદાજ મુકાયો હતો. મહારાષ્ટ્રમાં વેપાર ઉદ્યોગને રૂ.૪૦,૦૦૦ કરોડનો ફટકો પડવા ધારણાં મુકાઈ હતી.