GettyImages-1227732888-scaled

બ્રિટીશ ઇતિહાસમાં સૌથી લાંબી સેવા આપી રહેલા મહારાણી એલિઝાબેથ દ્વિતીયના પતિ અને ડ્યુક ઑફ એડિનબરા પ્રિન્સ ફિલિપ 99 વર્ષની વયે તારીખ 9 એપ્રિલના રોજ અવસાન પામ્યા હોવાની બકિંગહામ પેલેસે જાહેરાત કરી હતી. 1947માં પ્રિન્સેસ એલિઝાબેથ સાથે તેમણે લગ્ન કર્યા હતા અને તેના પાંચ વર્ષ પછી 1952માં પિતાના અવસાન બાદ તેઓ મહારાણી બન્યા હતા. તેમનું લગ્નજીવન 73 વર્ષ જેટલું સુદિર્ઘ રહ્યું હતું. પ્રિન્સ ફિલિપે મહારાણીના શાસનની સફળતામાં એક મોટું યોગદાન આપ્યું હતું અને મહારાણી જે ભૂમિકા ભજવી રહ્યા હતા તે માટે તેમણે સંપૂર્ણ નિષ્ઠાવાન રહી ટેકો આપ્યો હતો. જે સંબંધોની નક્કરતા તેમના લગ્નજીવન અને શાસનની સફળતા માટે ખૂબ નિર્ણાયક રહી હતી.

બકિંગહામ પેલેસ તરફથી એક નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે “ખૂબ જ દુ:ખ સાથે જણાવવાનું કે હર મેજેસ્ટી મહારાણીએ તેમના પ્રિય પતિ, હીસ રોયલ હાઇનેસ ધ પ્રિન્સ ફિલિપ, ડ્યુક ઓફ એડિનબરાના મૃત્યુ પામ્યા છે. તેઓ આજે સવારે (તા. 9) વિન્ડસર કાસલ ખાતે શાંતિપૂર્વક અવસાન પામ્યા હતા.”

ડ્યુક ઑફ એડિનબરા સારવાર માટે માર્ચનો એક મહિનો હોસ્પિટલમાં રોકાયા બાદ તેમને ગયા અઠવાડીયે સેન્ટ્રલ લંડનની કિંગ એડવર્ડ સેવન્થ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. અસ્વસ્થ હોવાનું જણાતા તેમને 16 ફેબ્રુઆરીના રોજ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા અને બાદમાં તેમને લંડનની સેન્ટ બર્થોલમ્યુઝ હોસ્પિટલમાં હ્રદયની પૂર્વ-સ્થિતિ માટે સારવાર અપાઇ હતી.

બકિંગહામ પેલેસ ખાતે ધ્વજને અડધી કાઠીએ ઉતારી દેવામાં આવ્યો હતો અને ડ્યુકની મૃત્યુની ઘોષણા મહેલના દરવાજા પર એક નોટિસ મૂકીને કરવામાં આવી હતી. લોકોએ મહેલની બહાર પુષ્પો મૂકી અંજલિ અર્પણ કરી હતી. બીજી તરફ સેંકડો લોકોએ તેમનો આદર આપવા માટે વિન્ડસર કાસલની મુલાકાત લીધી હતી. જો કે, સરકારે કોરોનાવાયરસ રોગચાળાના કારણે શાહી મહેલો ખાતે જનતાને ભેગા ન થવા વિનંતી કરી છે.

પ્રિન્સ ઑફ વેલ્સ શુક્રવારે બપોરે તેમની માતાને મળવા ગ્લોસ્ટરશાયરના તેમના ઘરેથી વિન્ડસર કાસલ ગયા હતા. રોયલ ફેમિલીએ લોકોને ડ્યુકની યાદમાં ફૂલો મૂકવાને બદલે તેટલી રકમનું દાન સખાવતી સંસ્થાઓને કરવા માટે વિચારવાનું કહ્યું છે. જે લોકો શોક સંદેશા મોકલવા માંગતા હોય તેમને માટે સત્તાવાર શાહી વેબસાઇટ https://www.royal.uk/condolence પર ઑનલાઇન કોન્ડોલન્સ બુક શરૂ કરવામાં આવી છે.

વિશ્વના સૌથી પ્રખ્યાત પતિ પ્રિન્સ ફિલિપ અને મહારાણીને ચાર બાળકો, આઠ પૌત્રો અને 10 પ્રપૌત્ર-પ્રપૌત્રીઓ હતા. તેમણે સાત દાયકાઓ પત્ની અને યુકેના મહારાણી એલિઝાબેથ દ્વિતીય સાથે પડછાયામાં વિતાવ્યા હતા.

તેમના પહેલા દીકરા, પ્રિન્સ ઑફ વેલ્સ, પ્રિન્સ ચાર્લ્સનો જન્મ 1948માં થયો હતો, ત્યારબાદ તેની બહેન પ્રિન્સેસ રોયલ પ્રિન્સેસ એનનો 1950માં; ડ્યુક ઑફ યોર્ક પ્રિન્સ એન્ડ્રુનો 1960માં અને અર્લ ઑફ વેસેક્સ પ્રિન્સ એડવર્ડનો 1964માં જન્મ થયો હતો.

પ્રિન્સ ફિલિપનો જન્મ ગ્રીક ટાપુ કોર્ફુ પર તા. 10 જૂન 1921ના ​​રોજ થયો હતો. તેમના પિતા ગ્રીસ અને ડેનમાર્કના પ્રિન્સ એન્ડ્ર્યુ હતા, જે હેલેન્સના રાજા જ્યોર્જ પ્રથમના નાના પુત્ર હતા. તેમની માતા, પ્રિન્સેસ એલિસ, લોર્ડ લૂઇસ માઉન્ટબેટનની પુત્રી અને મહારાણી વિક્ટોરિયાની ગ્રેટ-ગ્રાન્ડ ડોટર હતી. 1947માં તેમના લગ્ન વખતે પ્રિન્સ ફિલિપે ગ્રીસ-ડેન્માર્કના રાજ વંશ સાથેનો નાતો તોડીને પોતાના મોસાળની સરનેમ માઉન્ટબેટન અપનાવી લીધી હતી. તેઓ ભારતના વાઈસરોય લોર્ડ માઉન્ટબેટનના ભાણેજ હતા. તેમણે મહારાણી એલિઝાબેથ સાથે પરણવા માટે બ્રિટિશ રાજ પરિવારની આકરી શરતો સ્વીકારી પોતાનું રાજપાટ જતું કર્યું હતું.

સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે શનિવારે બપોર પછીથી, લંડન, એડિનબરા, કાર્ડિફ અને બેલફાસ્ટ સહિતના શહેરોમાં, તેમજ જિબ્રાલ્ટરમાં અને રોયલ નેવીના યુદ્ધ જહાજોમાંથી સમુદ્રમાં, પ્રિન્સ ફિલિપના માનમાં 41 બંદૂકની સલામી આપવામાં આવી હતી. તેનું ઑનલાઇન અને ટેલિવિઝન પર પ્રસારણ કરાયું હતું.

પ્રિન્સ ફિલિપ મોટે ભાગે લો પ્રોફાઈલ રહેવામાં માનતા હતા. જાહેર કાર્યક્રમોમાં પણ રાણીથી હંમેશા કેટલાક પગલાં પાછળ જ ચાલતા હતા. 2017 પછી તેઓ જાહેર કાર્યક્રમોમાં દેખાયા ન હતા. એક અકસ્માત પછી 2019માં તેમણે પોતાનું ડ્રાઇવિંગ લાઈસન્સ પણ પરત જમા કરાવી દીધું હતું.