Soldiers of both countries were injured in clashes with China: India
ભારત અને ચીનના સૈનિકો વચ્ચે અરુણાચલ પ્રદેશના તવાંગ સેક્ટરમાં 9 ડિસેમ્બરે થયેલી અથડામણ અંગે સંસદમાં નિવેદન આપતા ભારતના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે મંગળવારે જણાવ્યું હતું કે આ અથડામણમાં ભારત અને ચીની સૈનિકોને સામાન્ય ઈજા થઈ હતી. (ANI Photo/ SansadTV)

ભારત અને ચીનના સૈનિકો વચ્ચે અરુણાચલ પ્રદેશના તવાંગ સેક્ટરમાં 9 ડિસેમ્બરે થયેલી અથડામણ અંગે સંસદમાં નિવેદન આપતા ભારતના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે મંગળવારે જણાવ્યું હતું કે આ અથડામણમાં ભારત અને ચીની સૈનિકોને સામાન્ય ઈજા થઈ હતી. ભારતીય સૈનિકોએ ગયા અઠવાડિયે તવાંગમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC)નું ઉલ્લંઘન કરીને અરુણાચલ પ્રદેશમાં “એકતરફી રીતે યથાસ્થિતિ બદલવા”ના ચીની દળોના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો.

સંસદના બંને ગૃહોમાં એક નિવેદનમાં સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે જણાવ્યું હતું કે ભારતીય સૈનિકોએ ચીની સૈનિકોને અરુણાચલ પ્રદેશમાં જમીન હડપ કરતા અટકાવ્યા હતા અને “ચીની સૈનિકોને તેમની ચોકીઓ પર પાછા ફરવા માટે મજબૂર કર્યા હતા.”

બીજી તરફ ચીને કહ્યું હતું કે સ્થિતિ “સ્થિર” છે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા વાંગ વેનબિને જણાવ્યું હતું કે, “અમે જાણીએ છીએ, ત્યાં સુધી ચીન-ભારત સરહદની સ્થિતિ એકંદરે સ્થિર છે.” તેમણે ઉમેર્યું કે બંને પક્ષોએ “રાજનૈતિક અને લશ્કરી ચેનલો દ્વારા સરહદ મુદ્દા પર અવરોધ વિનાની વાતચીત જાળવી રાખી છે.”

રાજનાથે ભારપૂર્વક જણાવ્યું હતું કે 9 ડિસેમ્બરે ભારતીય અને ચીની સૈનિકો વચ્ચેની અથડામણમાં એક પણ સૈનિકનું મોત થયું ન હતું અથવા ગંભીર રીતે ઘાયલ થયો ન હતો. સરહદ અથડામણ પછી તરત જ સરકારે રાજદ્વારી ચેનલો દ્વારા ચીન સાથે વાતચીત કરી હતી. આપણી સેના સરહદ પર કોઈપણ પડકારનો સામનો કરવા માટે તૈયાર છે.

પ્રધાને કહ્યું હતું કે સેનાએ પીપલ્સ લિબરેશન આર્મી (પીએલએ)ને અમારા વિસ્તારમાં ઘુસવાથી બહાદુરીથી અટકાવી હતી અને તેમને તેમની પોસ્ટ પર પાછા ફરવા માટે મજબૂર કર્યા હતા. “આ ઝપાઝપીને કારણે બંને બાજુના કેટલાક સૈનિકોને ઈજાઓ થઈ હતી. હું આ ગૃહ સાથે શેર કરવા ઈચ્છું છું કે આપણા પક્ષે કોઈ જાનહાનિ કે ગંભીર જાનહાનિ થઈ નથી,”

રાજનાથ સિંહના નિવેદનના વિરોધ પક્ષો શાંત થયા ન હતા અને ગૃહમાંથી વોકઆઉટ કર્યો હતો. વિપક્ષે જણાવ્યું હતું કે તે માત્ર નિવેદનથી સંતુષ્ટ નથી અને સરહદના મહત્ત્વના મુદ્દા પર ચર્ચા કરવા ઇચ્છે છે. ઘણા પક્ષોએ માંગણઈ કરી હતી કે સંસદના બીજા તમામ કામકાજ અટકાવીને ભારત-ચીન સરહદ મુદ્દા પર વિગવાર ચર્ચા કરવામાં આવે.

LEAVE A REPLY

10 + 18 =