યુકેના ઈન્ટરનેશનલ ટ્રેડ વિભાગના સેક્રેટરી ઓફ સ્ટેટ એન-મેરી ટ્રેવેલીન બે દિવસની ભારતની મુલાકાતે ગયા છે. આ મુલાકાત દરમિયાન તેઓ બુધવારે (12 જાન્યુઆરી) બન્ને દેશો વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (મુક્ત વેપાર કરાર) માટે મંત્રણાઓ હાથ ધરવાના છે. (Photo by Ian Forsyth/Getty Images)

યુકેના ઈન્ટરનેશનલ ટ્રેડ વિભાગના સેક્રેટરી ઓફ સ્ટેટ એન-મેરી ટ્રેવેલીન બે દિવસની ભારતની મુલાકાતે ગયા છે. આ મુલાકાત દરમિયાન તેઓ બુધવારે (12 જાન્યુઆરી) બન્ને દેશો વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (મુક્ત વેપાર કરાર) માટે મંત્રણાઓ હાથ ધરવાના છે.

ડીપાર્ટમેન્ટ ઓફ ઈન્ટરનેશનલ ટ્રેડ (ડીઆઈટી)ની એક યાદીમાં જણાવ્યા મુજબ એન-મેરી અને ભારતના વેપાર અને ઉદ્યોગ પ્રધાન પિયુષ ગોયલ વચ્ચે ગુરૂવારે (13 જાન્યુઆરી) આ મંત્રણાઓના એક ભાગરૂપે દ્વિપક્ષી વાટાઘાટો પણ હાથ ધરાશે. ડીઆઈટીની યાદી મુજબ બન્ને મિનિસ્ટર્સ વચ્ચે અનેક મુદ્દાઓ ઉપર ચર્ચા થવાની ધારણા છે, જેમાં ગ્રીન ટ્રેડ, યુકે તેમજ ભારત – બન્ને દેશોના બિઝનેસીઝ માટે માર્કેટ એક્સેસના અવરોધો દૂર કરવાનો સમાવેશ થશે. એ પછી બન્ને મિનિસ્ટર્સ સત્તાવાર રીતે ભારત-યુકે વચ્ચે નવા એફટીએ માટેની વાટાઘાટોના આરંભની ઘોષણા કરશે.
યુકેથી રવાના થતા પહેલા એન મેરીએ કહ્યું હતું કે, યુકે અને ભારત ઘનિષ્ઠ મિત્રો અને વેપારના ભાગીદારો તો હાલમાં પણ છે અને 2022ની પ્રાથમિકતા આ શક્તિશાળી સંબંધોના પાયાને વધુ મજબૂત બનાવવાની છે. હું મારી આ મુલાકાતનો ઉપયોગ એક મહત્ત્વાકાંક્ષી વેપાર એજન્ડા આગળ ધપાવવા માટે કરીશ, જેમાં યુકેનો ઈન્ડો પેસિફિક વિસ્તાર પ્રત્યેનો વિશેષ ઝોક સ્પષ્ટ રીતે ઝળકતો હશે.

એન મેરી આ મુલાકાત દરમિયાન ભારતના વિદેશ પ્રધાન એસ. જયશંકર, નાણાં પ્રધાન નિર્મલા સીતારામન તથા પર્યાવરણ પ્રધાન ભૂપેન્દ્ર યાદવની પણ મુલાકાત લેશે તેવી ધારણા છે. ભારત અને યુકે વચ્ચે 2019માં કુલ £23.3 બિલિયનનો વેપાર અને સેવાઓ બન્ને તરફે થયા હતા. યુકેમાં ભારતીય મૂડીરોકાણ થકી 95000 લોકોને જોબ્સ મળી છે અને તેમાંથી છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન જ 15000 નવી જોબ્સ ઉભી થઈ હતી. યુકે સરકારની મહત્ત્વાકાંક્ષા એવી છે કે, 2030 સુધીમાં ભારત – યુકેનો વેપાર ડબલ થાય.