House of Lords, relations between the UK and India
(istockphoto.com)

હાઉસ ઓફ લોર્ડ્સમાં તાજેતરમાં એક ચર્ચા દરમિયાન જણાવવામાં આવ્યું છે કે, ભારતમાં સ્વૈચ્છિક સંસ્થાઓ (NGO) ને વિદેશથી ભંડોળ મેળવવા માટે જરૂરી લાઇસન્સ રદ કરાયા અંગે સરકાર દ્વારા ફોરેન કોન્ટ્રીબ્યુશન રેગ્યુલેશન એક્ટ (FCRA)ના ઉપયોગનું ઉંડાણપૂર્વક વિશ્લેષણ કરવા માટે યુકે સરકારે તેની સંખ્યાની માહિતી માગી છે.

યુકેની સંસદમાં ઉપલા ગૃહમાં સભ્યોએ ગત ગુરુવારે આ મુદ્દે ચર્ચા કરી હતી, જેમાં પેન્ટેગર્થના પીઅર લોર્ડ હેરીસ દ્વારા ઉઠાવવામાં આવેલા પ્રશ્નમાં બ્રિટિશ સરકારને પૂછ્યું હતું કે, મિશનરીઝ ઓફ ચેરિટી તથા અન્ય સ્વૈચ્છિક સંસ્થાઓના વિદેશી ભંડોળ અટકાવવા અંગે ભારત સરકારને કંઇ જણાવવામાં આવ્યું છે કે નહીં. કોલકાતામાં મધર ટેરેસા દ્વારા સ્થાપિત ચેરિટીનું લાઇસન્સ તાજેતરમાં અન્ય બિન સરકારી સંસ્થાઓ સાથે રીન્યુ કરવાનું અટકાવાયું હતું. આ અંગે ભારત સરકારે જણાવ્યું હતું કે, ગૃહ મંત્રાલય દ્વારા, ‘સારી રીતે સ્થાપિત પ્રક્રિયા અને લાંબા સમયથી થઇ રહેલા વહીવટી કાર્ય અંતર્ગત એક નિયમિત પ્રક્રિયાનો મુદ્દો છે.’ યુકે સરકાર વતી આ સવાલનો જવાબ આપતા ફોરેન, કોમનવેલ્થ અને ડેવલપમેન્ટ ઓફિસ બાબતોના રાજ્ય પ્રધાન લોર્ડ તારિક એહમદે જણાવ્યું હતું કે, ‘ભારત સરકાર દ્વારા ફોરેન કોન્ટ્રીબ્યુશન રેગ્યુલેશન એક્ટના ઉપયોગથી ભારતમાં કેટલીક બિન સરકારી સંસ્થાઓને મુશ્કેલી પડી રહી છે તેનો અમને ખ્યાલ છે, તેમાંથી કેટલીક સંસ્થાઓની ફોરેન ફન્ડિંગ લાઇન્સની અરજીઓ તાજેતરમાં રદ્ કરવામાં આવી છે.’

મિશનરીઝ ઓફ ચેરિટીઝના સંદર્ભમાં તેમણે જણાવ્યું હતું કે, ‘ભારત લાયસન્સના મુદ્દે મેં આ ખાસ કિસ્સામાં ધ્યાન રાખ્યું છે, અને આપણે એ જાણતા નથી કે તેમની અરજીઓ શા માટે ફગાવાઈ છે. જેમની સાથે આવું થયું છે મેં તેમની સંખ્યા અંગે પૂછપૂરછ કરી છે. લોર્ડ હેરિસે પ્રધાન પર આ મુદ્દે દબાણ કર્યું હતું અને સવાલ કર્યો હતો કે, શું ચેરિટી સામેની કાર્યવાહી લોકોને ‘ખ્રિસ્તી ધર્મના સંપર્કમાં આવતા અને તેમનું ધર્માંતરણ કરતા અટકાવવા માટે છે.’
આ અંગેના પ્રત્યુત્તરમાં લોર્ડ એહમદે જણાવ્યું હતું કે, ‘12,580 સંસ્થાઓ પૈકી કેટલીક સંસ્થાઓએ લાયસન્સને રીન્યુ કરવા માટેની અરજીઓ સમયસર કરી નહોતી માટે તે રદ્ કરાયા હતા. અન્ય સંસ્થાઓની અરજીઓ બીજા કારણોસર રદ્ કરાઈ હતી. ભારતમાં ખ્રિસ્તી એનજીઓઝ છે, પરંતુ ત્યાં 250 હિન્દુ એનજીઓ અને 250થી વધુ મુસ્લિમ એનજીઓ પણ છે, તેથી શું તે વિશેષમાં ખ્રિસ્તી સંગઠનોની વિરુદ્ધમાં છે કે નહીં તે માહિતીમાં દર્શાવવામાં આવ્યું નથી, પરંતુ હું આ અંગે વધુ માહિતી મેળવવા માટે વિનંતી કરું છું.’

લિવરપૂલના લોર્ડ એલ્ટને પૂછ્યું હતું કે, જે સંસ્થાઓએ તેમના લાયસન્સ ગુમાવ્યા છે તેની યાદીનો સરકારે કોઇ અભ્યાસ કર્યો છે, આવી સંસ્થાઓની સંખ્યા ત્રણ હજાર જેટલી વધુ છે. સાઉથ એશિયા બાબતોનો હવાલો ધરાવતા લોર્ડ એહમદે જણાવ્યું હતું કે, આપણી કાર્યવાહી રચનાત્મક પ્રકારની હોવાથી આપણે આ મુદ્દો માત્ર લંડનમાં ઇન્ડિયન હાઇકમિશનમાં જ નહીં પરંતુ ભારત સરકાર સાથે સીધો ઉઠાવી રહ્યા છીએ.

હાઉસ ઓફ લોર્ડ્ઝની આ ચર્ચામાં તમામ પક્ષના સભ્યોએ ભાગ લીધો હતો અને તેમણે ભારતમાં ગરીબી સામે લડી રહેલી એમનેસ્ટી ઇન્ટરનેશનલ અને ઓક્સફામ જેવી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓને થઇ રહેલી પરેશાની બાબતે ચિંતા પણ વ્યક્ત કરી હતી. એહમદે જણાવ્યું હતું કે, યુકે સરકારે એમનેસ્ટી ઇન્ટરનેશનલનો મુદ્દો સીધો ઉઠાવ્યા હતો.