અમેરિકામાં ઇન્ડિયન એમ્બેસેડર તરનજિત સિંહ સંધુએ અમેરિકન બિઝનેસ સમૂદાયના સભ્યો સાથે દેશમાં કોરોના મહામારીની પરિસ્થિતિ અંગે ચર્ચા કરી હતી. ગુરુવારે આ વર્ચ્યુઅલ મીટિંગનું આયોજન યુએસ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા કરવામાં આવ્યું હતું. આ ચર્ચા દરમિયાન જે જરૂરી સામગ્રીની જરૂર છે તે અંગે જણાવ્યું હતું, જેમાં ઓક્સીજન કોન્સેનટ્રેટર્સ, સીલિન્ડર્સ, વેન્ટિલેટર્સ અને ઓક્સીજન જનરેશન પ્લાન્ટ્સ અને કોવિડ-19 સંબંધિત રેમડેસિવિર અને ટોસિલીઝુમેબ દવાઓનો સમાવેશ થાય છે.
આ અંગે સંધૂએ ટ્વીટર પર જણાવ્યું હતું કે, અમે કોવિડના પડકારોના નિરાકરણ માટે ભારતને સહકાર આપવા માટે અમેરિકન બિઝનેસ સમૂદાયના ત્વરિત પ્રતિસાદ અને સંશોધનો મોકલવા માટે ચેમ્બરની પ્રશંસા કરીએ છીએ.
છેલ્લા કેટલાક દિવસોમાં યુએસ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા અન્ય સંસ્થાઓ અને અમેરિકન સરકાર સાથે સંકલન કરીને જરૂરી મેડિકલનો પૂરવઠો ભારત મોકલાવ્યો છે.
આ ઉપરાંત ખાનગી ક્ષેત્ર દ્વારા પણ મહત્ત્વના અને વધારાના મેડિકલ સાધનો પણ મોકલવામાં આવ્યા છે. અગાઉ ચેમ્બર દ્વારા બાઇડેન એડમિનિસ્ટ્રેશનને એવી અરજ કરવામાં આવી હતી કે, એસ્ટ્રાઝેનેકાના રસીના બિનઉપયોગી ડોઝ ભારત મોકલવામાં આવે. સંધુએ જણાવ્યું હતું કે, ફાઇઝરના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર આલ્બર્ટ બૌર્લા સાથે મહત્વપૂર્ણ ચર્ચા થઇ છે. જેમાં ફાઇઝર ભારતમાં આ મહામારીની સ્થિતિમાં રસી સહિતની આરોગ્યલક્ષી મદદ માટે પ્રયાસ કરી શકે છે. આ ઉપરાંત ઓક્સીજનના સાધનો અને કોવિડ સંબંધિત પૂરવઠા સાથેના બે એરક્રાફ્ટ ભારત મોકલવામાં આવ્યા છે. તેમણે તેમના ટ્વીટમાં, આ પડકારજનક સમયમાં ભારત સાથે ખભે-ખભો મિલાવીને ઊભા રહેવા બદલ પ્રેસિડેન્ટ બાઇડેન પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી. અગાઉ વોલમાર્ટના સીઇઓ ડગ મેકમિલિયને સંધુ સાથે ચર્ચા કરી હતી. મેકમિલિયને તેમના નિવેદનમાં જણાવ્યું હતું કે, ‘મહામારીની સ્થિતિમાં કેસ વધતા ભારતમાં મારા મિત્રો અને સહયોગીઓની લડત જોઇને મારું હૃદયદ્રવી ઉઠ્યું છે.’ વોલમાર્ટ દેશમાં ઓક્સીજન અને વ્યાપક સાધન મોકલવા માટે કાર્યરત છે. ફેડએક્સ દ્વારા પણ એક નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે, તેણે ભારતમાં હજ્જારો ઓક્સીજન કોન્સન્ટ્રેટર્સ અને જરૂરી મદદ પહોંચાડવા માટે એક વિશેષ વિમાન મોકલવાનું આયોજન કર્યું છે.