સુપ્રીમ કોર્ટે સોમવારે સેનામાં મહિલાઓને સ્થાયી કમીશન આપવાને મંજૂરી આપી દીધી છે. પોતાના ચૂકાદામાં કોર્ટે દિલ્હી હોઈકોર્ટના ચુકાદાને યથાવત રાખ્યો છે. 2010માં હોઈકોર્ટે મહિલાઓને સેનામાં સ્થાયી કમીશન આપવાની વાત કહી હતી. કેન્દ્રએ તેની વિરુદ્ધ અરજી દાખલ કરી હતી. તેમાં કહેવામાં આવ્યું હતું કે ભારતીય સેનામાં યુનિટ સંપૂર્ણ રીતે પુરુષોના છે અને પુરુષ સૈનિક મહિલા અધિકારીઓને સ્વીકારી શકશે નહિ.
જસ્ટિસ ડી વાય ચંદ્રચૂડે ચુકાદો સંભળાવતા કહ્યું કે મહિલા અધિકારીઓની નોકરીઓને લઈને કેન્દ્ર સરકારના નીતિગત ચુકાદાઓ ખૂબ જ અનોખા રહ્યાં છે. હાઈકોર્ટેના ચુકાદા બાદ કેન્દ્રએ મહિલાઓને સેનામાં સ્થાયી કમીશન આપવું જોઈતું હતું. મહિલાઓને પરમનન્ટ કમીશન ન આપવું તે કેન્દ્રના પૂર્વગ્રહને બતાવે છે. અત્યાર સુધી માત્ર 14 વર્ષ સુધી શોર્ટ સર્વિસ કમીશનમાં સેવા આપી ચુકેલા પુરુષ સૈનિકોને જ સ્થાયી કમીશનનો વિકલ્પ આપવામાં આવે છે.
સેનામાં મહિલાઓ શોર્ટ સર્વિસ કમીશન દરમિયાન આર્મી સર્વિસ કાર્પ્સ, આર્ડનેન્સ, એજ્યુકેશન કોર્પ્સ, જજ એડવોકેટ જનરલ, એન્જિનિયર, સિગ્નલ, ઈન્ટેલિજન્સ અને ઈલેક્ટ્રિક-મિકેનિકલ એન્જિનિયરિંગ બ્રાન્ચમાં જ એન્ટ્રી મેળવી શકે છે. તેમને ઈન્ફેૈંટ્રી, ઉડ્ડયન અને તોપખાનામાં કામ કરવાની તક આપવામાં આવતી નથી.
સુપ્રીમ કોર્ટે એ પણ કહ્યું કે મહિલાઓ સેનામાં હોય એ એક વિકાસની પ્રક્રિયાને દર્શાવે છે. કોઈ પણ સૈનિકે જવાબદારી નિભાવવા માટે શારીરિક રૂપથી સક્ષમ થવું જોઈએ. કેન્દ્રએ શારીરિક ક્ષમતા અને સામાજિક માન્યતાઓને આધાર બનાવીને કહ્યું હતું કે મહિલાઓને મોટી જવાબદારી ન આપી શકાય. આ તર્કને કોઈ રીતે સ્વીકાર ન શકાય.