ભારતમાં રહેતા નાગરિકો દ્વારા મે મહિના દરમિયાન 2.03 બિલિયન ડોલર વિદેશમાં મોકલવામાં આવ્યા છે, જે ગત વર્ષે સમાન મહિનામાં મોકલેલા 1.25 બિલિયન ડોલરની તુલનાએ 61. 8 ટકા વધુ છે. તો ગત એપ્રિલમાં 2. 02 બિલિયન ડોલર વિદેશમાં મોકલ્યા હતા.
રીઝર્વ બેન્કના આંકડા મુજબ વિદેશમાં મોકલેલા કુલ 2.03 બિલિયન ડોલરમાંથી લગભગ એક બિલિયન ડોલર જેટલા નાણાં વિદેશ પ્રવાસ પાછળ ખર્ચ્યા છે, જે વાર્ષિક તુલનાએ ઇન્ટરનેશનલ પ્રવાસ પાછળના ખર્ચમાં ત્રણ ગણો વધારો દર્શાવે છે કારણ કે વર્ષ પૂર્વે આ રકમ માત્ર 29.4 કરોડ ડોલર જ હતી. વિવિધ દેશોમાં કોરોના સંબંધિત પ્રતિબંધ હળવા કરાયા પછી મોટી સંખ્યામાં ભારતીયો વિદેશમાં જઇ રહ્યા છે.
ગત નાણાંકીય વર્ષમાં વિદેશ પ્રવાસ પાછળ ભારતીયોએ 6.91 બિલિયન ડોલરનો ખર્ચ કર્યો હતો, જે નાણાંકીય વર્ષ 2021માં કરાયેલા ખર્ચ કરતા બમણી રકમ છે. નાણાંકીય વર્ષ 2020માં વિદેશ પ્રવાસમાં ભારતીયોએ 6.95 બિલિયન ડોલરનો ખર્ચ કર્યો હતો.
મે મહિનામાં ભારતીયો દ્વારા વિદેશમાં સૌથી વધારે સગાસંબંધીઓ પાછળ 33.6 કરોડ ડોલર અને ભેટ-સોગાદો પાછળ 24.8 કરોડ ડોલર અને વિદેશ અભ્યાસ પાછળ 26.4 કરોડ ડોલરનો ખર્ચ કર્યો છે. આ તમામ નાણાં લિબરલાઇઝ્ડ રેમિટન્સ સ્કીમ (એલઆરએસ) હેઠળ વિદેશમાં મોકલવામાં આવ્યા છે.
નોંધનીય છે કે, ભારતીય દ્વારા નાણાંકીય વર્ષ 2022માં વિદેશમાં 19.61 બિલિયન ડોલર મોકલ્યા છે, જે એક મોટો રેકોર્ડ હોવાની સાથે સાથે તેની અગાઉના વર્ષના 12.68 બિલિયન ડોલરના આઉટવર્ડ રેમિટન્સની તુલનાએ 54.6 ટકા વધારે છે. નાણાંકીય વર્ષ ૨૦૨૦ દરમિયાન દેશમાંથી 18.76 બિલિયન ડોલર અને વર્ષ 2019માં 13.78 બિલિયન ડોલર વિદેશમાં મોકલાયા હતા.