બ્રૂકલીનની ફેડરલ કોર્ટે ભારતીય મૂળના જસમિન્દર સિંઘને અમેરિકન એકસપ્રેસ સાથે 4.7 મિલિયન ડોલરથી વધુની ઉચાપત કરવા બદલ 48 મહિલાની જેલ સજા ફટકારી છે. યુએસ ડિસ્ટ્રિક્ટ જજ કેરોલ બાગલી એમોને અમેરિકન એક્સપ્રેસ સાથે બેંક ફ્રોડ અને મની લોન્ડરીંગના કેસમાં સિંઘને 4,651,845.08 ડોલર પરત કરવા અને 3,018,602.22 ડોલર જપ્ત કરવા આદેશ કર્યા છે. એક અઠવાડિયાની ટ્રાયલ પછી ફેડરલ જ્યૂરીએ સિંઘને આ વર્ષે 27 એપ્રિલના રોજ દોષિત ઠેરવ્યો હતો.

જસમિન્દર સિંઘે અમેરિકન એક્સપ્રેસના વિવિધ ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને લાખો ડોલર્સની જુદી જુદી એપ્પલની પ્રોડક્ટ્સ ખરીદી હતી અને પોતાને આર્થિક રીતે સમૃદ્ધ બનાવવા માટે તેનું વેચાણ કર્યું હતું, તેમ યુએસ એટર્ની બ્રીઓન પીસે જણાવ્યું હતું.

કોર્ટમાં રજૂ કરવામાં આવેલા પૂરાવા અનુસાર સિંઘે ચાર બિઝનેસ કંપનીઓ શરૂ કરી હતી અને તેના નામ પર 10 અમેરિકન એક્સપ્રેસ કાર્ડ લઇને તેમાંથી એપ્પલના આઇ ફોન અન્ય પ્રોડક્ટસ ખરીદી હતી અને પછી તેનું વિદેશોમાં લાખો ડોલર્સમાં વેચાણ કરી દીધું હતું.

નવેમ્બર 2017થી ડિસેમ્બર 2019 વચ્ચે સિંઘે અમેરિકન એક્સપ્રેસ સમક્ષ એવું ખોટું જણાવ્યું હતું કે, તે 4.7 મિલિયન ડોલર પરત કરી શકે તેમ નથી. તેણે આ પ્રોડક્ટના વેચાણથી મળેલા નાણાનો ઉપયોગ અંગત ખર્ચ અને કેલિફોર્નિયાના ફ્રેમોન્ટમાં 1.3 મિલિયન ડોલરનું ઘર રોકડમાં ખરીદવા સહિત વૈભવી ચીજવસ્તુઓ ખરીદવામાં કર્યો હતો.