વિશ્વમાં મોંઘવારીની ગંભીર અસર છે ત્યારે યુકેમાં પણ મંદીનો માહોલ છવાયો છે. જોકે, આ માટે રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને પણ જવાબદાર માનવામાં આવે છે. ઓફિસ ફોર નેશનલ સ્ટેટેસ્ટિક્સ (ONS)ના સત્તાવાર આર્થિક આંકડા પ્રમાણે નાણાકીય વર્ષના બીજા ત્રિમાસિક સમયગાળામાં યુકેની અર્થતંત્રમાં નરમાશ જોવા મળી હતી. આ ઉપરાંત દેશમાં રાજકી અસ્થિરતા હોવાથી યુકેના અર્થતંત્રને અસર થઇ છે.શુક્રવારે જાહેર થયેલ બીજા ત્રિમાસિકગાળાના વૃદ્ધિદરના આંકડા પ્રમાણે દેશનો જીડીપી દર પ્રથમ કવાર્ટરના 0.8 ટકાના વધારાની સામે એપ્રિલજૂન સમયગાળામાં 0.1 ટકા ઘટ્યો હતો. તાજેતરની નાણાકીય નીતિના અંતે બેન્ક ઓફ ઈંગ્લેન્ડએ એવી આશંકા વ્યકત કરી હતી કે 2022ના અંત સુધીમાં દેશના અર્થતંત્રમાં એક વર્ષ લાંબી મંદી જોવા મળી શકે છે, કારણ કે દેશમાં અત્યારે લોકો ગંભીર મોંઘવારીની સાથે આર્થિક કટોકટીમાંથી પસાર થઇ રહ્યા છે. અધિકૃત આંકડા પ્રમાણે, જૂનમાં યુકેનું અર્થતંત્ર 0.6 ટકા ઘટ્યું હતું.