પ્રતિક તસવીર (ANI Photo)

લંડનમાં ભારતીય હાઇ કમિશન પરિસરમાં ખાલિસ્તાની તરફી દેખાવકારોએ 19 માર્ચે કરાયેલી તોડફોડની તપાસ કરતી નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ સોમવારે સીસીટીવીના લગભગ બે કલાક લાંબા કુલ પાંચ વિડિયો પોતાની વેબસાઈટ પર પોસ્ટ કરી હિંસક વિરોધમાં સામેલ વ્યક્તિઓને ઓળખવા માટે લોકોની મદદ માંગી છે. NIA દ્વારા સીસીટીવીના ફૂટેજને સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર શેર કરવામાં આવ્યા છે.

NIAએ એક નિવેદનમાં કહ્યું હતું કે “જાહેર જનતાના તમામ સભ્યોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ જાહેર હિતમાં ફૂટેજમાં દેખાતા વ્યક્તિઓ અંગેની કોઈપણ માહિતી NIAને પ્રદાન કરે. અપાયેલી માહિતી ગુપ્ત રાખવામાં આવશે. તમામ માહિતી વોટ્સએપ નંબર +91 72900 09373 પર આપવા વિનંતી છે.’’

NIAની એક ટીમે સ્કોટલેન્ડ યાર્ડના અધિકારીઓ સાથે વાતચીત કરી લંડનની મુલાકાત લઇ કેસની વિગતો મેળવી હતી. દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે અનલોફૂલ એક્ટીવીટીઝ (પ્રિવેન્શન) એક્ટ અને  પ્રિવેન્શન ઓફ ડેમેજ ટૂ પબ્લિક પ્રોપર્ટી એક્ટ હેઠળ જાહેર સંપત્તિને નુકસાન કરવા બદલ કેસ નોંધ્યો હતો. કારણ કે તેમાં વિદેશમાં ભારતીય નાગરિકતા ધરાવતા કેટલાક લોકો દ્વારા કરવામાં આવતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામેલ છે.

પંજાબ પોલીસે પંજાબમાં કટ્ટરપંથી ઉપદેશક અમૃતપાલ સિંઘ સામે કાર્યવાહી શરૂ કર્યાના એક દિવસ બાદ લંડનમાં ભારતીય હાઈ કમિશનમાં તોડફોડ કરવાનો પ્રયાસ કરાયો હતો અને રાષ્ટ્રધ્વજને નીચે ખેંચી લીધો હતો.

ભારત સરકારના ગૃહ મંત્રાલયના કાઉન્ટર-ટેરરિઝમ અને કાઉન્ટર રેડિકલાઇઝેશન યુનિટે આ કેસ NIAને સોંપ્યો હતો અને કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાએ આ વર્ષે એપ્રિલમાં બ્રિટિશ સરકારના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજ્યા બાદ આ નિર્ણય લેવાયો હતો.

તે વખતે અલગતાવાદી ખાલિસ્તાની ધ્વજ લહેરાવી ખાલિસ્તાની તરફી સૂત્રોચ્ચાર કરાયા હતા અને ભારતીય રાષ્ટ્ર ધ્વજને પકડીને નીચે ઉતારી નુકશાન કરવાના પ્રયાસને મિશનના અધિકારીઓએ નિષ્ફળ કર્યો હતો. આ અથડામણમાં સુરક્ષા સ્ટાફના બે સભ્યોને સામાન્ય ઈજાઓ થઈ હતી.

વિડીયો જોવા માટે ક્લીક કરો: https://nia.gov.in/video-gallery.htm

 

LEAVE A REPLY

thirteen + 13 =