વૈશ્વિક લોકપ્રિયતામાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફરીથી સર્વોચ્ચ સ્થાન પ્રાપ્ત કર્યું છે. ગ્લોબલ વર્લ્ડ લીડર્સ લિસ્ટમાં તેમને પ્રથન ક્રમ મળ્યો છે. વડાપ્રધાન મોદીને આ યાદીમાં 76 ટકા અપ્રૂવલ રેટિંગ મળ્યું છે, જ્યારે તેમની સાથેના અન્ય ગ્લોબલ લીડર્સ રેટિંગ પ્રમાણે ઘણા પાછળ રહ્યા છે. મોદી પછી સ્વિટ્ઝર્લેન્ડના પ્રેસિડેન્ટ એલેન બેર્સેટ 64 ટકા એપ્રૂવલ રેટિંગ સાથે બીજા ક્રમે અને મેક્સિકોના પ્રેસિડેન્ટ એન્ડ્રેસ મેન્યુઅલ લોપેઝ ઓબ્રાડોર ત્રીજા સ્થાને છે. ડિસિઝન ઈન્ટેલિજન્સ કંપની- મોર્નિંગ કન્સલ્ટે તાજેતરમાં આ સર્વે લિસ્ટ જાહેર કર્યું છે.

ઓસ્ટ્રેલિયન વડાપ્રધાન એંથની અલ્બેનિસ 48 ટકાના રેટિંગ સાથે પાંચમા સ્થાને છે અને ઇટાલીના પીએમ જી. મેલોની 42 ટકા રેટિંગ સાથે છઠ્ઠા સ્થાને છે. યુએસ પ્રેસિડેન્ટ જો બાઇડન 40 ટકા રેટિંગ સાથે સાતમા સ્થાને છે. જ્યારે બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનકને 27 ટકા રેટિંગ સાથે 15મો ક્રમ મળ્યો છે.

અગાઉ જૂન 2023માં ગ્લોબલ વર્લ્ડ લીડર્સ લિસ્ટ રેટિંગ યાદી જાહેર કરવામાં આવી હતી ત્યારે પણ વડાપ્રધાન મોદી અગ્ર સ્થાને હતા, પરંતુ અગાઉની યાદીની સરખામણીએ તેમના રેટિંગમાં 2 ટકાનો ઘટાડો થયો છે, ત્યારે તેમને 78 ટકા એપ્રૂવલ રેટિંગ મળ્યું હતું. તે યાદીમાં પ્રેસિડેન્ટ જો બાઇડન સાતમા સ્થાને હતા, જ્યારે બ્રિટિશ વડાપ્રધાન સુનક 12મા ક્રમે હતા.
મોર્નિંગ કન્સલ્ટે 14 સપ્ટેમ્બરે ‘ગ્લોબલ લીડર એપ્રૂવલ રેટિંગ ટ્રેકર’ જાહેર કર્યું હતું. આ રેટિંગ 6થી 12 સપ્ટેમ્બર વચ્ચે એકત્રિત કરવામાં આવેલા ડેટાના આધારે આપવામાં આવ્યું હતું, જેમાં અનેક દેશોના લોકો સાથે વાત કરીને વૈશ્વિક નેતાઓ વિશે તેમના અભિપ્રાય જાણવામા આવ્યા હતા. આ યાદીમાં 22 દેશના નેતાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાંથી મોટાભાગના G20ના સભ્યો છે.

LEAVE A REPLY

fifteen − 5 =