ભારત સરકારના કૃષિ કાયદાના વિરુદ્ધમાં નવી દિલ્હીની સિંઘુ બોર્ડરે આંદોલન કરી રહેલા ખેડૂતો (PTI Photo/Kamal Kishore)

ભારતમાં ખેડૂતોના આંદોલનને મુદ્દે ગયા સપ્તાહે ઇન્ટરનેશનલ પોપસ્ટાર રિહાનાએ કરેલી ટ્વીટના જવાબમાં ભારતના સિલિબ્રિટીએ કરેલી ટ્વીટની મહારાષ્ટ્ર સરકાર તપાસ કરશે. મહારાષ્ટ્રના ગૃહપ્રધાન અનિલ દેશમુખે સોમવારે જણાવ્યું હતું કે સચિન તેંડુલકર, લતા મંગેશકર, વિરાટ કોહલી સહિતના સ્ટાર્સ દ્વારા કરવામાં આવેલી ટ્વિટની તપાસ કરવામાં આવશે. ખેડૂત આંદોલનના સમર્થનમાં ઇન્ટરનેશનલ સ્ટાર રિહાનાના ટ્વિટ બાદ ભારતના જાણીતા લોકો દ્વારા ટ્વીટ કરીને તેનો વળતો જવાબ આપ્યો હતો. મહારાષ્ટ્ર સરકાર આ તમામ ટ્વીટને તપાસ કરીને શું સાબિત કરવા માગે છે તે હજુ સ્પષ્ટ નથી. પરંતુ રાજકીય નિરીક્ષકો જણાવે છે કે રાજ્ય સરકારનો હેતુ ભાજપને ટાર્ગેટ કરવાનો છે.

ભારતીય સેલિબ્રિટીની ટ્વીટ બાદ બાદ કોંગ્રેસ દ્વારા મહારાષ્ટ્ર સરકારને ફરિયાદ કરવામાં આવી હતી કે, રિહાનાના ટ્વીટ બાદ સચિન તેંડુલકર, લતા મંગેશકર, વિરાટ સહિતના સ્ટાર્સે જે ટ્વીટ કર્યું હતું તેમાં કેટલાક શબ્દો એકસમાન છે. કોંગ્રેસ કાર્યકર્તાઓએ અનિલ દેશમુખને કહ્યું હતું કે, સુનીલ શેટ્ટીએ તો પોતાના ટ્વીટમાં મુંબઇ ભાજપના નેતા હિતેશ જૈનને પણ ટેગ કર્યા હતા. સાયના નેહવાલ અને અક્ષય કુમારનું ટ્વીટ બિલકુલ સરખું છે. આ બધી ટ્વીટ જોઇને લાગે છે કે, ભાજપ સરકારના દબાણમાં આ સ્ટાર્સે ટ્વિટ કર્યા હશે. મહારાષ્ટ્ર સરકાર આ સંદર્ભે તપાસ કરે.

ભારતીય સેલિબ્રિટીએ કરેલી ટ્વીટની આગેવાની અક્ષયકુમારે લીધી હતી. આ પછી સુનિલ શેટ્ટી, અજય દેવગણ, ફિલ્મમેકર કરણ જોહરે પણ ટ્વીટ કરીને ભારતના લોકો એક હોવાની વાત કરી હતી. મોટાભાગની ટ્વીટમાં હેશટેગ #IndiaAgainstPropaganda અને #IndiaTogether હતો.