પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

ભારત સરકારે કૃષિ આંદોલન અંગે ખોટી અને ઉશ્કેરણીજનક માહિતી ફેલાવતા પાકિસ્તાન અને ખાલિસ્તાન સમર્થકોના 1,178 એકાઉન્ટ બ્લોક કરવા સોમવારે ટ્વીટરને આદેશ આપ્યો હતો, એમ સૂત્રોએ જણાવ્યું હતું. ટ્વીટરે હજુ સરકારના અગાઉના આદેશનું પાલન કર્યું નથી અને ટ્વીટરના સીઇઓ જેક ડોર્સેએ ખેડૂતોના આંદોલનમાં સમર્થન કરતી વિદેશી સિલિબ્રિટીની ટ્વીટને તાજેતરમાં લાઇક કરી હતી. તેનાથી ટ્વીટર અને સરકાર આમને સામને આવી ગયા છે.

ભારતના આઇટી મંત્રાલયે ચાર ફેબ્રુઆરીએ આ ટ્વીટર એકાઉન્ટની .યાદી જાહેર કરી હતી. આ એકાઉન્ટહોલ્ડર્સ ખાલિસ્તાન અને પાકિસ્તાનના સમર્થકો છે. આ તમામ એકાઉન્ટ વિદેશીની ધરત પરથી ઓપરેટ થાય છે અને જાહેર વ્યવસ્થા સામે ખતરો ઊભો કરે છે.

અગાઉ સરકારે ખેડૂતોના નરસંહાર સંબંધિત હેન્ડલ અને હેશટેગ દૂર કરવાનો પણ ટ્વીટરને આદેશ આપ્યો હતો. જો આ આદેશનું પાલન નહીં થાય તો કાર્યવાહી કરવાની પણ ચીમકી આપવામાં આવી હતી.

સૂત્રોએ જણાવ્યું હતું કે ટ્વીટરે સરકારનો અગાઉના આદેશનું સંપૂર્ણ પાલન કર્યું નથી, ત્યારે આ બીજો આદેશ આપવામાં આવ્યો છે. ટ્વીટરના સીઇઓ જેક ડોર્સેએ ખેડૂતોના આંદોલનમાં સમર્થન કરતી વિદેશી સિલિબ્રિટીની ટ્વીટને તાજેતરમાં લાઇક કરી હોવાથી પણ સરકાર નાખુશ હોવાનું માનવામાં આવે છે. ડોર્સેની આ ગતિવિધીથી ટ્વીટરની નિષ્પક્ષતા અંગે પણ સવાલ ઊભા થાય છે.