ભારતે એફડીઆઈના નિયમોમાં ફેરફાર કર્યો તે પછી ચીનના પેટમાં તેલ રેડાયું છે. ચીને ભારતની ટીકા કરતા આ પગલાને ડબલ્યુટીઓના સિદ્ધાંતોનું ઉલ્લંઘન ગણાવ્યું હતું. ચીને કહ્યું હતું કે ભારતની આ નીતિ મુક્ત વેપારની બાબતમાં અવરોધ ઉભો કરે છે. ચીન ઉપરાંત ભારતના નવા પગલાની અસર પાકિસ્તાન, બાંગ્લાદેશ, ભૂતાન, નેપાળ, શ્રીંલંકાના રોકાણકારોને થશે.

ભારતે ગયા સપ્તાહમાં એફડીઆઈના નિયમોમાં ફેરફાર કર્યો હતો. એ પ્રમાણે હવે ભારત સાથે સરહદો ધરાવતા દેશોની કંપનીઓ કે વ્યક્તિએ ફોરેન ડાઈરેક્ટ ઈન્વેસ્ટ હેઠળ ભારતમાં રોકાણ કરવા માટે કેન્દ્ર સરકારની પરવાનગી લેવી પડશે. અત્યાર સુધી એફડીઆઈના ધારાધોરણો પ્રમાણે કોઈ પણ વિદેશી વ્યક્તિ ભારતની કંપનીઓ રોકાણ કરી શકે તેવી વ્યવસ્થા હતી.

ચીની દૂતાવાસના અધિકારી જી રોંગે જણાવ્યું હતું કે ભારતના નવા એફડીઆઈ નિયમો વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશનના નિયમોનું ઉલ્લંઘન છે. ડબલ્યુટીઓ મુક્ત વેપારની તરફેણ કરે છે ત્યારે ભારતના આ નિયમો એમાં અવરોધ ખડો કરશે. ચીની અધિકારીએ કહ્યું હતું કે જાણે ભારતે ચીનના રોકાણકારોને અટકાવવા માટે આ પગલું ભર્યું હોય એવું ચિત્ર ખડું થયું છે.

ભારતની એચડીએફસીમાં ૧.૭૫ કરોડના શેર ખરીદ્યા હતા. એ પછી આ નિયમમાં ફેરફાર થતાં ચીનના પેટમાં તેલ રેડાયું હતું. ઈન્ડિયન ગ્લોબલ કાઉન્સિલના એ સ્ટડીમાં દાવો થયો હતો કે દેશની ૧ બિલિયન ડોલરનું મૂલ્ય ધરાવતી ૩૦ કંપનીઓમાંથી ૧૮ કંપનીઓમાં ચીને રોકાણ કર્યું છે.

અહેવાલ પ્રમાણે ૭૫ કંપનીઓમાં ચીની રોકાણકારોએ રોકાણ કર્યું છે. ભારતની મહત્વની કંપનીઓમાં ચીની કંપનીઓ કે ચીની ઉદ્યોગપતિઓએ રોકાણ કર્યું છે. એ ટ્રેન્ડ હવે ભારત માટે પણ ચિંતાજનક છે. સૂત્રોના કહેવા પ્રમાણે અજિત દોભાલને આ ટ્રેન્ડ રોકવાની જવાબદારી સોંપવામાં આવી છે.

ચીની રોકાણકારોનો આ ટ્રેન્ડ અટકાવવા માટે જ ભારતે જમીની સીમા ધરાવતા દેશોના રોકાણકારોના સંદર્ભમાં નવા નિયમો ઘડયા હતા. નવા નિયમો પ્રમાણે ડિફેન્સ, ટેલિકોમ, મીડિયા, ફાર્માચ્યુટિકલ અને ઈન્સ્યોરન્સ સિવાય એફડીઆઈ હેઠળ રોકાણ કરવા માટે કેન્દ્ર સરકારની પરવાનગી લેવી પડતી ન હતી. હવે નવા નિયમો પ્રમાણે ચીન, પાકિસ્તાન, બાંગ્લાદેશ સહિતના સરહદો શેર કરતા દેશોના રોકાણકારોએ દરેક ક્ષેત્રમાં રોકાણ કરતા પહેલાં પરવાનગી લેવી પડશે.