ભારતની જાણીતી ઇન્ડિગો એરલાઇન્સનું સંચાલન ગત મહિને ખોરવાતાં તેની સીધી અસર તેના બિઝનેસ પર પડી હતી. ડિસેમ્બરને અંતે પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં કંપનીનો ચોખ્ખો નફો 78 ટકા ઘટી રૂ.549.1 કરોડ નોંધાયો હતો, જે અગાઉના વર્ષના સમાનગાળામાં રૂ. 2,448.8 કરોડ હતો. જ્યારે કંપનીની ત્રીજા ત્રિમાસિક ગાળામાં કુલ આવક વધીને રૂ. 24,540.6 કરોડથી રહી હતી, જે અગાઉના વર્ષના સમાનગાળામાં રૂ.22,992.8 કરોડની નોંધાઇ હતી. કંપનીના જણાવ્યા મુજબ, ત્રીજા ત્રિમાસિક ગાળામાં રૂ.1,546.5 કરોડનો ફટકો પડ્યો છે. આમાં ડિસેમ્બરની શરૂઆતમાં ફ્લાઇટના સંચાલનમાં થયેલા મોટાપાયે વિક્ષેપોને કારણે રૂ.577.2 કરોડ અને નવા શ્રમ કાયદાના અમલીકરણને કારણે રૂ.969.3 કરોડની અસર થઇ હતી.













