
ડિસેમ્બર 2025માં મોટાપાયે ફ્લાઇટ્સ રદ કરવા બદલ ભારતની ઉડ્ડયન ક્ષેત્રની નિયમનકારી સંસ્થાએ દેશની સૌથી મોટી એરલાઇન ઇન્ડિગોને શનિવારે રેકોર્ડ રેકોર્ડ $2.45 મિલિયન (રૂ.22.2 કરોડ)નો દંડ ફટકાર્યો હતાં. આ ઉપરાંત કંપનીના વરિષ્ઠ અધિકારીઓને ચેતવણીઓ જારી કરી હતી અને એરલાઇનને તેના ઓપરેશન્સ કંટ્રોલના વડાને હોદ્દા પરથી દૂર કરવાનો પણ આદેશ આપ્યો હતો. આ આદેશના પાલન માટે કંપનીએ DGCAને $5.51 મિલિયનની બેંક ગેરંટી પણ આપવી પડશે.
સ્ટાફની અછતને પગલે સંચાલકીય કટોકટી ઊભી થતાં ડિસેમ્બરના પ્રથમ અઠવાડિયામાં કંપનીએ લગભગ 4,500 ફ્લાઇટ્સ રદ કરી હતી, જેના કારણે દેશભરમાં હજારો મુસાફરો ફસાયા હતાં અને વિશ્વના સૌથી ઝડપથી વિકસતા ઉડ્ડયન બજારમાં બે કંપનીઓની ઇજારાશાહી અંગે ચિંતા ઊભી થઈ હતી. એરલાઇને સ્વીકાર્યું હતું કે પાઇલટ રોસ્ટર પ્લાનિંગનું નબળું આયોજન આ વિક્ષેપનું મુખ્ય કારણ હતું. ગયા વર્ષે પાઇલટના આરામ અને ફરજનો નવા નિયમો અમલમાં આવ્યા પછી, ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) દ્વારા કરવામાં આવેલી તપાસમાં એરલાઇનમાં ઘણી ખામીઓ મળી આવી હતી.
DGCAએ જણાવ્યું હતું કે, ભારતના સ્થાનિક બજારમાં 65% હિસ્સો ધરાવતી ઇન્ડિગો યોગ્ય સમયે આયોજન કરવામાં અથવા પર્યાપ્ત ઓપરેશનલ બફર જાળવવામાં નિષ્ફળ રહી છે. એરલાઇન ક્રૂ, એરક્રાફ્ટ અને નેટવર્ક સંસાધનોના મહત્તમ ઉપયોગ પર વધુ પડતું ધ્યાન કેન્દ્રીત કરે છે. આવા અભિગમથી કંપની સ્ટાફની પૂરતી વ્યવસ્થા કરી શકી ન હતી અને તેનાથી સંચાલકીય કટોકટી ઊભી થઈ હતી.
એક સરકારી સૂત્રએ જણાવ્યું હતું કે આ દંડ અત્યાર સુધીનો સૌથી મોટો દંડ છે. તે નાણાકીય વર્ષ 2024/25 માટે ઇન્ડિગોના વાર્ષિક નફાના માત્ર 0.31% જેટલો છે. ઇન્ડિગોએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેનું બોર્ડ અને મેનેજમેન્ટ આદેશોનું સંપૂર્ણ ધ્યાન રાખવા માટે પ્રતિબદ્ધ છે અને વિચારપૂર્વક અને સમયસર યોગ્ય પગલાં લેશે.ડીજીસીએએ ચીફ ઓપરેટિંગ ઓફિસર ઇસિદ્રે પોર્કેરાસ અને ઓપરેશન્સ કંટ્રોલ સેન્ટરના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ જેસન હર્ટર સહિત અનેક વરિષ્ઠ અધિકારીઓને ચેતવણી આપી હતી. તેને હર્ટરને તેમની ઓપરેશનલ ફરજોમાંથી મુક્ત કરવાનો નિર્દેશ આપ્યો હતો.નિયમનકારે જણાવ્યું હતું કે, સીઈઓ પીટર એલ્બર્સને “ફ્લાઇટ કામગીરી અને કટોકટી વ્યવસ્થાપનની અપૂરતી એકંદર દેખરેખ માટે ચેતવણી આપવામાં આવી હતી. આદેશનું પાલન અને લાંબા ગાળાના પ્રણાલીગત સુધારા સુનિશ્ચિત કરવા માટે ઇન્ડિગોએ DGCAને $5.51 મિલિયનની બેંક ગેરંટી પણ આપવી પડશે.










