એશિયાની વિકાસશીલ અર્થતંત્રોમાં દાયકા કરતા વધુ લાંબા સમયથી ચાલી રહેલા નીચા ફુગાવાનો તબક્કો હવે સમાપ્ત થવાની તૈયારી છે અને આ દેશોએ તેના પરિણામોનો સામનો કરવો પડશે, એમ ગ્લોબલ રેટિંગ એજન્સી મૂડીઝે જણાવ્યું હતું. અમેરિકા સહિતના વિકસિત દેશોમાં વ્યાજદરમાં વધારાની અસર વિકાસશીલ દેશો પર થશે. કોરોના મહામારીની અસરો તથા રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધને કારણે સપ્લાય સામે અવરોધ છે અને આ દેશોમાં માગ વધી રહી છે.

મૂડીઝના રિસર્ચના રિપોર્ટમાં જણાવ્યુ છે કે, એશિયાની ઇમર્જિંગ ઇકોનોમીમાં ધીમે ધીમે મોંઘવારી દર વધવાની શરૂઆત થશે અને ત્યારબાદ તે એક ગંભીર સ્વરપ ધારણ કરતું દેખાશે. આ વધતી મોંઘવારીની અસર એશિયાના તમામ ઉભરતા બજારોમાં જોવા મળશે. એક દાયકા કરતા વધારે સમયથી થાઇલેન્ડ, વિયતનામ, મલેશિયા, ફિલિપાઇન્સ અને ચીન જેવા એશિયન દેશોમાં કન્ઝ્યુમર ફુગાવાનો દર અત્યંત નીચા સ્તરે રહ્યો છે.

મૂડીઝે રિપોર્ટમાં જણાવ્યુ કે, હવે આ પરિસ્થિતિ તદ્દન વિપરીત થઇ રહી છે. એશિયાની ઉભરતા અર્થતંત્રોમાં મોંઘવારી વધવાનું મુખ્ય કારણ માંગમાં વૃદ્ધિ છે. ચીનને બાદ કરતા અન્ય વિકાસશીલ એશિયન દેશોની અર્થવ્યવસ્થાઓએ વર્ષ 2022ના પ્રથમ છ માસિકગાળામાં આકર્ષક રિકવરી દર્શાવી છે.તેનો અર્થ છે કે આ દેશોમાં માંગમાં એક વાર ફરી ઝડપી વૃદ્ધિ થઇ રહી છે, જેના લીધે ગ્રાહક વપરાશી ચીજોના ભાવ વધવા માંડ્યા છે.

માંગની સામે મર્યાદિત સપ્લાયથી સમસ્યા ગંભીર બની રહી છે, જેણે ભાવ વૃદ્ધિને વેગ આપ્યો છે. ઉપરાંત યુક્રેન અને રશિયાના યુદ્ધ અને સપ્લાયઇ ચેઇનમાં આવેલા અવરોધોને કારણે માંગ વધતા ભાવ વધુ ઝડપથી વધી રહ્યા છે. રશિયા-યુક્રેનના યુદ્ધને પગલે ફૂડ, મેટલ, ઓઇલ, એન્જિનિયરિંગ ગુડ્સની કિંમતોમાં વૃદ્ધિની અસર દુનિયાના અર્થતંત્ર પર દેખાઈ રહી છે. તમામ અસરગ્રસ્ત એશિયન દેશોએ વ્યાજદરોમાં વધારો કર્યો છે, પરંતુ વિયેતનામ, થાઇલેન્ડ અને ઇન્ડોનેશિયા એ આ પગલું ભર્યુ નથી.

મૂડીઝે જણાવ્યું છે કે વ્યાજદરોમાં વૃદ્ધિની છેવટે આર્થિક વિકાસદર પર અસર થશે. ચાલુ વર્ષે વિકાસશીલ એશિયન અર્થવ્યવસ્થાઓના જીડીપી ગ્રોથ પર દબાણ અને રોજગારી સર્જન અને આવક સર્જનમાં ઘટાડો જોવા મળે તેવી શક્યતા છે.