ગુજરાત સરકારે મંગળવારથી અમલમાં આવે એવી રીતે લોકડાઉન-૪ના અમલમાં કેટલીક આર્થિક પ્રવૃત્તિઓને છુટ આપી છે ત્યારે અત્યાર સુધી એક જિલ્લાથી બીજા જિલ્લામાં જવા માટે પાસની આવશ્યક્તા રહેતી હતી, તે હવે રહેશે નહીં તેમ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું છે. જોકે, કન્ટેન્મેન્ટ વિસ્તારમાં આ છુટછાટ લાગુ પડશે નહીં.

અમદાવાદ મેડિસિટી ખાતે યુ.એન. મહેતા હાર્ટ ઇન્સ્ટિટ્યુટ ખાતે નવીન બિલ્ડિંગમાં કોવિડ હોસ્પિટલની થયેલી વ્યવસ્થાની સ્થળ મુલાકાત લઇ સમીક્ષા કર્યા બાદ પત્રકારો સાથેની વાતચીતમાં નાયબ મુખ્યમંત્રીએ સ્પષ્ટ કર્યુ કે, લગભગ ૫૫ દિવસથી કોરોનાના સંક્રમણને ડામવા માટે લોકડાઉના ત્રણ તબક્કા લાગુ કરાયા હતા. હવે ચોથા તબક્કામાં સરકારે થોડીક છુટછાટ આપી આર્થિક અને કૃષિ પ્રવૃતિ શરૂ થાય એ દિશામાં આગળ વધી છે.

તેમણે સ્વીકાર્યું કે, અમદાવાદ સહિત રાજ્યભરમાં આટલા લાંબા દિવસો બાદ લોકડાઉનથી કંટાળેલા લોકોએ થોડીક વધારે છુટછાટ લઇને હળવાશ સાથે રોડ ઉપર બહાર આવી ગયા છે. ‘સરકાર સમજે છે કે પહેલો દિવસ છે. સરકારે હળવાશ રાખી છે. નાગરિકોએ પણ ખુશી વ્યક્ત કરી છે ત્યારે હવે સૌએ કોરોના સાથે જીવતાં શિખવું પડશે. માસ્ક પહેરવો, સોશીયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું, વારંવાર હાથ ધોવા જેવી બાબતોને ધ્યાને રાખીને હવે સરકારે આર્થિક અને વ્યાપારિક પ્રવૃત્તિને છુટ આપી છે, એમ તેમણે ઉમેર્યું હતું.

‘સરકારના નિર્ણયને લોકોએ સાચી અને સારી રીતે સમજવાની જરૂર છે. ઉત્સાહ અને અધિરતાના લીધે ભીડ ન થાય એનું ધ્યાન લોકો રાખે. આ જ રીતે જનતા અને સરકારના સંયુક્ત પ્રયાસોથી અમદાવાદ સહિતના કન્ટેન્મેન્ટ વિસ્તારમાં કોરોનાનું સંક્રમણ ઘટશે એ રીતે ભવિષ્યમાં વધુ છુટછાટ અપાશે. પરંતુ સરકારની પ્રજાહિતમાં અપાયેલી છુટછાટમાં નિયમોનો ભંગ થતો જોવા મળશે અને કેસ વધશે તો આવી છુટછાટ પાછી ખેંચાશે, એમ પણ તેમણે કહ્યું હતું.

ગુજરાતમાં કન્ટેન્મેન્ટ ઝોન સિવાય બધે ઘણી છુટછાટ આપી છે એનો આજે પ્રથમ દિવસ છે, તેમ કહી તેમણે કહ્યું કે, આજે ઘણી જગાએ લોકો ખુશ હતા. લોકો પોતાના વેપાર, ધંધે લાગ્યા છે. આ શરૂઆત છે ત્યારે લોકો હળવા મળવાનું પ્રમાણ વધે એ સ્વાભાવિક છે. લોકડાઉન ખોલ્યો છે પણ કોરોના બંધ થયો નથી. ચીન દક્ષિણ કોરિયામાં ફરીથી કોરોનાએ દેખા દીધી છે. ત્યાં ફરી બંધ કરવું પડ્યું છે એટલે આપણે જોખમ લેવા માગતા નથી.