Chief Minister Bhupendra Patel's public relations officer Hitesh Pandya resigns
ગુજરાતના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ(PTI Photo)

ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે મંગળવાર (8 ફેબ્રુઆરીએ) આગામી પાંચ વર્ષ માટે નવી IT/ITES પોલિસીની જાહેરાત કરી હતી. રાજ્યમાં IT સેક્ટરમાં ઝડપી અને સર્વસમાવેશક વૃદ્ધિને પ્રોત્સાહન આપવાની પ્રતિબદ્ધતા સાથે નવી પોલિસીની જાહેરાત કરી હતી. આ નવી પોલિસી પાંચ વર્ષ એટલે કે 2022થી 2027 સુધી અમલમાં રહેશે. સરકારે રાજ્યમાં નવા રોકાણ માટે કંપનીઓને મૂડીખર્ચ અને ઓપરેશનલ ખર્ચમાં સહાય આપવાની અને પાંચ વર્ષમાં સીધી રોજગારીની એક લાખ તક ઊભી કરવાની જાહેરાત કરી હતી.

મુખ્યપ્રધાને આ નીતિમાં CAPEX OPEX મોડલનો એક યુનિક કોન્સેપ્ટ રજૂ કરે છે જે સમગ્ર દેશમાં પ્રથમ છે. આ મોડલ હેઠળ આઇટીના સામાન્ય પ્રોજેક્ટ માટે વધુમાં વધુ રૂ. 50 કરોડની મર્યાદામાં સરકાર 25 ટકાનો મૂડીખર્ચ (CAPEX) સપોર્ટ આપશે. મેગા પ્રોજેકટ માટે આ મર્યાદા રૂ. 200 કરોડ સુધીની રહેશે.

આ પોલીસીમાં રોજગારી સર્જન માટે કંપનીઓના પ્રોત્સાહન આપવાની પણ જોગવાઈ છે. જે મુજબ આઇટી કંપનીને સ્થાનિક કર્મચારીની ભરતી માટે પુરુષ કર્મચારીના કિસ્સામાં રૂ.50,000 અને મહિલા કર્મચારીના કિસ્સામાં રૂ.60,000 અથવા માસિક સીટીસીના 50 ટકા સુધી સરકાર સપોર્ટ કરશે.

મુખ્યપ્રધાને જણાવ્યું હતું કે એક મજબૂત અને સક્ષમ પોલિસી ફ્રેમવર્કથી રાજ્યમાં IT ઓપરેન્સની સ્થાપના માટે સરળ પ્રક્રિયાગત જરૂરિયાતો પ્રસ્તુત કરીને અનુકૂળ બિઝનેસ ઇકોસિસ્ટમના નિર્માણ માટેના પ્રયાસો શરૂ કર્યા છે. ઇન્ફરમેશન ટેક્નોલોજી ક્ષેત્રે આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત’’ના વિઝનને સાકાર કરવા ગુજરાત સરકારે આ નવી નીતિ જાહેર કરી છે.

ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે આ નવી પોલિસી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના 8 સપનાંઓ પૈકીનું એક સપનું ‘‘બેરોજગારી સે મુકત રોજગારી સે યુકત’’માં મહત્વનું યોગદાન આપનારી બનશે.

મુખ્યપ્રધાને શિક્ષણ તથા સાયન્સ ટેક્નોલોજી પ્રધાન જીતુભાઇ વાઘાણીની ઉપસ્થિતીમાં આ નવી પોલિસી ગાંધીનગરમાં જાહેર કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ગુજરાત IT ક્ષેત્રે દેશના ટોપ ફાઇવ સ્ટેટસમાં સ્થાન મેળવવા પ્રયત્નશીલ છે. IT સેક્ટરમાં ગુજરાતની વાર્ષિક નિકાસ રૂ.3 હજાર કરોડથી વધારીને 25 હજાર કરોડ સુધી લઇ જવા અને ITઅને ITeS ક્ષેત્રમાં નવી 1 લાખથી વધુ રોજગારીનું સર્જન કરવાનું લક્ષ્ય પણ આ નવી પોલિસીમાં રાખવામાં આવ્યું છે.