ગુજરાતના ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવી (ફાઇલ ફોટો)(ANI Photo)

ગુજરાતના ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવીના કૌટુંબિક કાકાનું સામાન્ય બાબતમાં થયેલી મારામારી પછી ઇજાના કારણે રવિવાર (6 ફેબ્રુઆરી) મોત થયું હતું, એમ પોલીસે જણાવ્યું હતું.

સુરત શહેરના અડાજણ પાટીયા સ્થિત રત્નપ્રભા એપાર્ટમેન્ટમાં રહેતા મહેશ શાંતિલાલ સંઘવી (ઉ.વ. 63) શનિવારની રાત્રે એપાર્ટમેન્ટની લીફ્ટમાં જઇ રહ્યા હતા. તેમની સાથે લીફ્ટમાં પડોશી બોની કમલેશ મહેતા પણ હતા અને તેમની સાથે સામાન્ય બાબતમાં ઝઘડો થયો હતો. જેમાં પડોશી બોની કમલેશ મહેતાએવૃધ્ધ મહેશભાઇને મોંઢા પર ફેંટ મારી હતી અને તેનાથી નાકમાં લોહી આવતા તેમને તુરંત સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જયાં સારવાર દરમિયાન વહેલી સવારે 4 વાગ્યા બાદ તેમનું મોત થયું હતું.

પોલીસે આરોપી બોની કમલેશ મહેતા (ઉંમર 26)ની ધરપકડ કરી હતી અને હત્યાનો ગુનો નોંધીને તપાસ ચાલુ કરી હતી. સુરતના રાંદેર પીઆઇ પી.એલ. ચૌધરીએ જણાવ્યું હતું કે મૃતક મહેશ શાંતિલાલ સંઘવી રાજયના ગૃહપ્રધાન હર્ષ સંઘવીના કૌટુંબિક કાકા છે.