ક્ષમા માંગવાના પર્વ પર્યુષણ મહાપર્વ પ્રસંગે જૈન સમુદાયના સાત યુવાનોએ અંગ દાનને પ્રોત્સાહન આપવા ઝૂંબેશ ઉપાડી છે અને યુકેમાં વસતા જૈનોને પર્યુષણ પર્વે અંગ દાન કરવા જાગૃત કરી રહ્યા છે. 3થી 10 સપ્ટેમ્બર સુધી ચાલનારા આ પર્વ દરમિયાન લોકોને મૃત્યુ પછી સમાજની સેવા તરીકે અંગોનું દાન કરવા માટે તેમના નામ નોંધાવવા વિનંતી કરી છે.

યુવાનોએ અંગ દાનના વિચારને પ્રોત્સાહન આપવા માટે એક વિડીયો બનાવ્યો છે અને તેને NHS બ્લડ એન્ડ ટ્રાન્સપ્લાન્ટ (NHSBT) સાથે ભાગીદારીમાં જૈન અને હિન્દુ ઓર્ગન ડોનેશન એલાયન્સ (JHOD) દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યો છે. યુકેમાં અસંખ્ય જૈન સંગઠનો દ્વારા આયોજિત પર્યુષણ કાર્યક્રમો દરમિયાન તેમજ સોશિયલ મીડિયામાં હજારો જૈનો  વિડીયોને જોશે.

JHOD ના અધ્યક્ષ કિરીટ મોદીએ જણાવ્યું હતું કે, “મને આનંદ છે કે આ વર્ષે પર્યુષણ દરમિયાન યુવાનો અંગદાનને પ્રોત્સાહન આપવા માટે આગેવાની લઈ રહ્યા છે. NHSBT દ્વારા પ્રકાશિત આંકડા મુજબ 2020/21માં રોગચાળાને કારણે અંગ પ્રત્યારોપણનો દર ઘટ્યો છે. જનસંખ્યાની સરખામણીમાં BAME સમુદાયના અંગો પ્રત્યારોપણની રાહ જોઈ રહેલા દર્દીઓને વધુ અસર થઈ છે. જૈન સમાજે ઘણા વર્ષોથી અંગદાનને પ્રોત્સાહન આપવામાં અગ્રણી ભૂમિકા ભજવી છે. હું તમામ જૈનોને વિનંતી કરું છું કે તેઓ અંગોનું દાન કરવા પોતાના નામ નોંધાવી અમને ટેકો આપે.’’

આ વીડિયો JHODના પર્યુષણ અભિયાનનો ભાગ છે અને સાત યુવાનો તે માટે એક શક્તિશાળી સંદેશ આપે છે. આ વિડીયોમાં જૈન સમુદાયના બે ટ્રાન્સપ્લાન્ટ મેળવનાર રાખી શાહ અને સંદીપ શાહનો સમાવેશ થાય છે.

JHODના સેક્રેટરી અને ટ્રસ્ટી પ્રફુલાબેન શાહે કહ્યું હતું કે “યુકેમાં અંગદાન કરતા દાતાઓની ખૂબ જ અછત છે અને તેની સામે દુર્ભાગ્યે સેંકડો લોકો ટ્રાન્સપ્લાન્ટની રાહ જોઈ રહ્યા છે અને રાહ જોતા કેટલાય લોકો મરણ પામ્યા છે. આ વિડીયો દ્વારા જૈન સમુદાયના યુવાનોએ આપણને બધાને વિનંતી કરી છે.”

ગયા મહિને, NHSBTએ એક અહેવાલમાં જણાવ્યું હતું કે 2020-21માં, શ્વેત અને અશ્વેત મૃત દાતાઓની સંખ્યામાં તુલનાત્મક ઘટાડો થયો હતો. BAME જીવંત દાતાઓની સંખ્યામાં 61 ટકાનો ઘટાડો થયો હતો. અંગ પ્રત્યારોપણ મેળવતા બ્લેક, એશિયન, મિશ્ર જાતિ અને લઘુમતી વંશીય દર્દીઓની સંખ્યામાં 36 ટકાનો ઘટાડો થયો છે.

આ ઉપરાંત, JHOD દ્વારા જૈનોના દ્રષ્ટિકોણથી અંગ દાન પર એક ખાસ પત્રિકા પણ પ્રકાશિત કરાઇ રહી છે, જેમાં અંગદાન વિશે ધાર્મિક પાસાઓ અને સમુદાયના નેતાઓના સંદેશાઓ આપવામાં આવ્યા છે.

JHOD ના ટ્રસ્ટી મનહરભાઈ મહેતાએ જણાવ્યું હતું કે, “જૈન ધર્મનો મુખ્ય સિદ્ધાંત અહિંસા છે, જેનો ઉદ્દેશ શક્ય તેટલી બધી જીવંત વસ્તુઓને સાચવવાનો છે. જૈનો માટે, પર્યુષણ એ અહિંસાને પ્રોત્સાહન આપવાનો સમયગાળો છે.”