(PTI Photo)

રાજધાનમાં મંગળવારે ઇદના તહેવારે ફરી કોમી તોફાનો થયા હતા. સોમવારે રાત્રે લગભગ 11:30 વાગ્યે ઝંડા મુદ્દે બે સમુદાયો આમને સામને આવી ગયા હતા. આ દરમિયાન બંને પક્ષોએ જાલોરી ગેટ ચોકડી પર મોડી રાત્રે પથ્થરમારો કર્યો હતો. પોલીસ ઘટનાસ્થળે પહોંચી, ભીડને વિખેરવા માટે લાઠીચાર્જ કર્યો હતો અને ટીયરગેસના શેલ છોડ્યા હતા. પથ્થરમારમાં 5 પોલીસ જવાનો ઘાયલ થયા હતા. રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોતે શાંતિ જાળવવાની લોકોને અપીલ કરી હતી.

જોધપુર જિલ્લા કલેક્ટર શહેરમાં ઈન્ટરનેટ સેવા બંધ કરવાનો આદેશ જારી કર્યો હતો. સોમવારે રાત્રે પોલીસના ભારે કાફલા સાથે સ્થિતિને અંકુશમાં લેવામાં આવી હતી, પરંતુ મંગળવારે ઇદની નમાઝ બાદ ફરી તંગદિલી ઊભી થઈ હતી. કેટલાંક લોકોએ જાલોરી ગેટ નજીક પથ્થરમારો કર્યો હતો અને કેટલાંક વાહનોને નુકસાન પહોંચ્યું હતું. મુસ્લિમ સમુદાયના લોકોએ ઇદના ઝંડા લગાવ્યા હતા. તેમણે સ્વાતંત્ર્ય સેનાની બાલમુકુદ બિસ્સાના પ્રતિમા નજીક ઝંડો લગાવ્યા હતા. તેનાથી સંઘર્ષ થયો હતો. હિન્દુ સમાજના લોકોએ જણાવ્યું હતું કે તેમણે પરશુરામ જયંતી પહેલા અહીં ભગવા ઝંડા લગાવ્યા હતા અને તેને મુસ્લિમોએ દૂર કર્યા છે.

જમ્મુ કાશ્મીરના અનંતનાગમાં પણ મંગળવારે મસ્જિદની બહાર પણ પથ્થરમારો થયો હતો. ઈદની નમાજ બાદ દેખાવકારોએ સુરક્ષા દળો પર પથ્થરમારો કર્યો હતો. મધ્યપ્રદેશના ખરગોનમાં રમખાણનાં 22 દિવસ બાદ કર્ફ્યુ વચ્ચે જ તહેવારોની ઉજવણી કરવામાં આવી રહી હતી.