
યુકેના વડાપ્રધાન બોરિસ જોન્સન ભારતની મુલાકાતના ભાગરૂપે ગુરુવારે, 21 એપ્રિલની સવારે અમદાવાદ આવી પહોંચ્યા હતા. અમદાવાદ એરપોર્ટ પર ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. એરપોર્ટ બહાર તેમનું ઢોલ-નગારાં અને ગુજરાતની ઝાંખી સાથે સ્વાગત કરાયું હતું. જોન્સનના સ્વાગત માટે એરપોર્ટથી ગાંધી આશ્રમ સુધીના રસ્તા પર સ્વાગત માટેનાં સ્ટેજ તૈયાર કરાયાં હતાં. ઉપરાંત સમગ્ર રૂટ પર વેલકમ ગુજરાતના હોર્ડિંગ્સ પણ લગાવવામાં આવ્યા હતા.
બોરિસ જોનસન અમદાવાદ એરપોર્ટ પર આવ્યા પછી આશ્રમ રોડ પરની હોટલ હ્યાત રિજન્સી પહોંચ્યા હતા અને ત્યાંથી નીકળીને તેમણે ગાંધી આશ્રમની મુલાકાત લીધી છે. તેઓ હોટલ પર પહોંચ્યા અને ત્યાંથી ગાંધી આશ્રમ આવ્યા તે દરમિયાન અમદાવાદમાં તેમનું પરંપરાગત રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું, આ દરમિયાન નાના-મોટા સ્ટેજ પર વિવિધ સાંસ્કૃતિક ટીમો દ્વારા ગરબા સહિતના ભારતીય નૃત્યો રજૂ કરવામાં આવ્યા હતા. સામાન્ય રીતે જ્યારે કોઈ દેશના મહેમાન ગુજરાત આવે અને તેમના માટે આ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું હોય તો તેમનો કાફલો ધીમી ગતિએ જતો હોય છે, પરંતુ અહીં જે રીતે બોરિસ જોનસનનો કાફલો ઝડપથી પસાર થયો હતો. બોરિસ જોનસનું સ્વાગત કરવા માટે ઉભેલા લોકોના હાથમાં ભારત અને બ્રિટનના ઝંડા પણ હતા અને તેને પ્રદર્શિત કરીને તેમણે બ્રિટનના વડાપ્રધાનનું સ્વાગત કર્યું હતું. બોરિસ જોનસન બ્રિટનના એવા પહેલા વડાપ્રધાન છે કે જેઓ ગુજરાતની મુલાકાત લઈ રહ્યા છે.
બોરિસ જોનસને અમેરિકાના ભૂતપૂર્વ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની જેમ જ પોતાના ભારત પ્રવાસની શરુઆત દિલ્હી નહીં પરંતુ ગુજરાતથી કરી છે. બોરિસ જોનસન આજે ગુજરાત પ્રવાસ બાદ અહીંથી સાંજે દિલ્હી જવાના રવાના થશે અહીં તેઓ વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરશે અને વિવિધ મુદ્દાઓ પર મહત્વની ચર્ચા વિચારણા થશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.
બ્રિટનના વડાપ્રધાન અમદાવાદમાં ગાંધી આશ્રમની મુલાકાત લીધા બાદ હાલોલમાં JCB પ્લાન્ટની મુલાકાત લેવાના છે, જેની સાથે તેઓ ગાંધીનગરમાં અક્ષરધામ મંદિર અને ગિફ્ટ સિટીની પણ મુલાકાત પણ લેશે. જોનસની સાથે 80 જેટલા ડેલિગેશન આવ્યા છે અને તેઓ પણ ભારત સાથેના વેપાર અને અન્ય મુદ્દાઓ પર મહત્વના નિર્ણય લેશે તેમ માનવામાં આવી રહ્યું છે.
મળતા રિપોર્ટ્સ મુજબ બ્રિટનના વડાપ્રધાન માટે હ્યાત્ત હોટલમાં 9 અને 10મો માળ બૂક કરવામાં આવ્યો છે. અહીં બૂલેટપ્રુફ સ્વીટ (Suit) બૂક કરવામાં આવ્યો છે જ્યાંથી વડાપ્રધાનને અમદાવાદ રિવરફ્રન્ટનો લૂક મળશે.













