ફાઇલ ફોટો. REUTERS/Tyrone Siu

હોંગકોંગની પ્રખ્યાત ‘જમ્બો ફ્લોટિંગ રેસ્ટોરાં’દક્ષિણ ચીન દરિયામાં ડૂબી ગઈ છે. તેના માલિકી હક ધરાવતી કંપનીએ સોમવારે માહિતી આપી હતી કે, શનિવારે દક્ષિણ ચીન સમુદ્રમાં પારાસેલ ટાપુ સમૂહ પાસેથી પસાર થતી વખતે આ રેસ્ટોરાંને ખરાબ વાતાવરણનો સામનો કરવો પડ્યો હતો. જેથી તેની અંદર પાણી ભરાવા લાગ્યું અને તે ડૂબી ગઈ હતી.

કંપનીના જણાવ્યા મુજબ, આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. પરંતુ, પાણીમાં તરતી આ રેસ્ટોરન્ટને બચાવવા માટેના તમામ પ્રયાસો નિષ્ફળ રહ્યા અને રવિવારે આ તરતી હોટેલ સંપૂર્ણરીતે ડૂબી ગઈ. પાણીની ઊંડાઈ 1,000 મીટર કરતા પણ વધારે હતી. તેવામાં આ તરતી રેસ્ટોરન્ટને બચાવવી થોડી અઘરી હતી.

આ જમ્બો ફ્લોટિંગ રેસ્ટોરાની લંબાઈ લગભગ 80 મીટર હતી. છેલ્લાં 40 વર્ષ કરતા પણ વધારે સમયથી હોંગકોંગના લોકો માટે આ રેસ્ટોરાં આકર્ષણનું કેન્દ્ર રહી હતી. ક્વીન એલિઝાબેથ દ્વિતિય અને ટૉમ ક્રૂઝ સહિત ઘણાં મહેમાનો અહીં વિવિધ વાનગીઓનો સ્વાદ માણી ચૂક્યા છે. વર્ષ 2020માં કોરોના વાયરસની મહામારીના કારણે આ જમ્બો ફ્લોટિંગ રેસ્ટોરાંને બંધ કરવામાં આવી હતી. કંપનીએ આ રેસ્ટોરાંના તમામ કર્મચારીઓને એવું કહેતા નીકાળ્યા હતા કે આ રેસ્ટોરાંની જાળવણી પાછળ ખાસ્સો ખર્ચો થઈ રહ્યો છે. કેટલીક ફિલ્મોમાં પણ હોંગકોંગની આ રેસ્ટોરાં દેખાડાઈ છે. જેમ્સ બૉન્ડની એક ફિલ્મમાં પણ આ રેસ્ટોરાં દેખાડાઈ હતી.

વર્ષ 1976માં આ રેસ્ટોરાં પર કામ શરૂ થયું હતું કે જે તૈયાર કરતા 4 વર્ષ લાગ્યા હતા. જેકી ચાન અને બ્રુસ લીની ઘણી ફિલ્મોમાં આ તરતી હોટેલ દેખાડવામાં આવી છે કે જેમાં ધ પ્રોટેક્ટર, ઈન્ફર્નલ અફેર્સ, એન્ટર ધ ડ્રેગન જેવી ફિલ્મો સામેલ છે. વર્ષ 2003માં તેમાં મોટાપાયે રિનોવેશન કરાયું હતું અને 2300 લોકો બેસી શકે તેટલી જગ્યા હતી.