નેશનલ કોન્ફરન્સના નેતા ફારુખ અબ્દુલ્લા (ફાઇલ ફોટો (Photo by TAUSEEF MUSTAFA/AFP via Getty Images)

ફારુખ અબ્દુલ્લા અને ગુલામ નબી આઝાદ સહિતના જમ્મુ અને કાશ્મીરના ચાર ભૂતપૂર્વ મુખ્યપ્રધાનો તેમના સ્પેશ્યલ સિક્યોરિટીઝ ગ્રૂપ (SSG)ની સુરક્ષા કવચ ગુમાવે તેવી શક્યતા છે. જમ્મુ કાશ્મીરના વહીવટીતંત્રે 2000માં સ્થાપવામાં આવેલા આ ચુનંદા સુરક્ષા યુનિટને સમેટી લેવાનો નિર્ણય કર્યો હોવાથી ભૂતપૂર્વ મુખ્યપ્રધાન ઓમર અબ્દુલ્લા અને મહબૂબા મુફ્તી પણ સુરક્ષા કવચ ગુમાવશે.

જમ્મુ અને કાશ્મીર સરકારના સ્પેશ્યલ સિક્યોરિટી ગ્રૂપ એક્ટમાં સુધારો કરવા માટે કેન્દ્ર સરકારે 31 માર્ચ 2020ના રોજ ગેઝેટ નોટિફિકેશન જારી કર્યાના આશરે 15 મહિના બાદ આ હિલચાલ કરવામાં આવી છે. કેન્દ્ર સરકારના સુધારામાં ભૂતપૂર્વ મુખ્યપ્રધાનો અને તેમના પરિવારજનો માટેની SSG સુરક્ષાની કલમ દૂર કરવામાં આવી છે.
અધિકારીએ જણાવ્યું હતું કે આ અંગેનો નિર્ણય સુરક્ષા સમીક્ષા સંકલન સમિતિએ કર્યો છે. આ સમિતિ જમ્મુ અને કાશ્મીરમાં અગ્રણી નેતાઓની સુરક્ષા સામેના જોખમની દેખરેખ રાખે છે. અધિકારીઓ જણાવ્યું હતું કે ચુનંદા ફોર્સની સંખ્યાને લઘુતમ બનાવીને SSGને ‘યોગ્ય કદ’નું બનાવવામાં આવશે.

આ નિર્ણયને કારણે ભૂતપૂર્વ મુખ્યપ્રધાન ઓમર અબ્દુલ્લા અને મહબૂબા મુફ્તી પણ સુરક્ષા કવચ ગુમાવશે. ગુલામ નબી આઝાદ સિવાયના બીજા તમામ પૂર્વ મુખ્યપ્રધાનો શ્રીનગરમાં રહે છે. જોકે ફારુખ અબ્દુલ્લા અને આઝાદને નેશનલ સિક્યોરિટી ગાર્ડ (બ્લેક કેટ કમાન્ડો)નું સુરક્ષા કવચ ચાલુ રહેશે, કારણ કે બંને નેતાઓ ઝેડ-પ્લસ સુરક્ષામાં આવે છે. જમ્મુ અને જમ્મુ કાશ્મીરમાં ઓમર અબ્દુલ્લા અને મહબૂબાને ઝેડ પ્લેસ સુરક્ષા કવચ મળશે, પરંતુ દેશના બીજા ભાગોમાં તેમના સુરક્ષા કવચમાં ઘટાડો થવાની શક્યતા છે.