વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પંજાબમાં તેમની સુરક્ષામાં થયેલી ગંભીર ચૂક અંગે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને ગુરુવારે માહિતગાર કર્યા હતા. રાષ્ટ્રપતિએ વડાપ્રધાનની સુરક્ષામાં ગંભીર ચૂક અંગે ચિંતા વ્યક્ત કરી હતી (ANI Photo)

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પંજાબમાં તેમની સુરક્ષામાં થયેલી ગંભીર ચૂક અંગે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને ગુરુવારે માહિતગાર કર્યા હતા. રાષ્ટ્રપતિએ વડાપ્રધાનની સુરક્ષામાં ગંભીર ચૂક અંગે ચિંતા વ્યક્ત કરી હતી. કેન્દ્ર સરકારે સંકેત આપ્યા હતા કે કેન્દ્રીય ગૃહ મંત્રાલય માહિતી એકઠી કરે તે પછી કેટલાંક મોટા અને આકરા નિર્ણયો લેવામાં આવશે. સુપ્રીમ કોર્ટે પણ વડાપ્રધાનની સુરક્ષામાં બેદરકારીના મુદ્દાની નોંધ લીધી હતી. પંજાબ સરકારે આ સમગ્ર પ્રકરણની તપાસ માટે બે સભ્યોની સમિતિની જાહેરાત કરી હતી. બીજી તરફ આ મુદ્દે ભાજપ અને કોંગ્રેસનું વાકયુદ્ધ ચાલુ રહ્યું હતું.

મોદી ગુરુવારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મળ્યા હતા. રાષ્ટ્રપતિના સેક્રેટરિયેટે ટ્વીટર પર જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે રાષ્ટ્રપતિ ભવનમાં વડાપ્રધાન મોદીને મળ્યા હતા અને તેમની પાસેથી ગઈકાલે પંજાબમાં તેમના સુરક્ષા કાફલામાં સુરક્ષા ચૂક અંગેની પ્રાથમિક માહિતી મેળવી હતી. રાષ્ટ્રપતિએ આ ગંભીર ચૂક અંગે તેમની ચિંતા વ્યક્ત કરી હતી.

કેબિનેટ મીટિંગ બાદ તેમણે પત્રકારોને જણાવ્યું હતું કે ગૃહ મંત્રાલયે પગલાં લેવાનું કહ્યું છે. માહિતી મેળવ્યા બાદ મોટા અને આકરા જેવા પગલાંની જરૂર હશે તેવા પગલાં લેવાશે. ભાજપના નેતાઓએ મોદીના દીર્ધાયુ માટે દેશના વિવિધ વિસ્તારોમાં મંદિરોમાં પૂજાવિધી કરી હતી. ભાજપના નેતાઓએ લોંગ લીવ પીએમ મોદી હેશગેટ સાથે ટ્વીટર પર મોદીને શુભકામના આપીને તેમના માટે પ્રાર્થના કરી હતી.

અગાઉ કેન્દ્રીય ગૃહમંત્રાલયે રાજ્ય સરકારનો તાકીદે જવાબ માંગ્યો હતો અને કહ્યું હતું કે સરકાર પીએમ માટે વધારાની સુરક્ષા પૂરી પાડી ન હતી. દિલ્હીમાં કેન્દ્રીય પ્રધાન અનુરાગ ઠાકુરે સંકેત આપ્યો હતો કે ગૃહ મંત્રાલય આ મુદ્દે પગલાં લેશે.