પ્રતિક તસવીર (Photo by Mark Kolbe/Getty Images)

ઇસ્ટ લંડનના લેટોનસ્ટોન હાઇ રોડ પર આવેલી KFC રેસ્ટોરંટના રસોડામાં ઉંદરો દેખાતા ગ્રાહકોને રેસ્ટોરંટ છોડવાનો આદેશ આપવામાં આવ્યો હતો. ‘સ્વચ્છતાના અત્યંત નબળા સ્તરો’વાળા રસોડામાં ખોરાક તૈયાર કરવામાં આવી રહ્યો હોવાની જાણ થતાં રેસ્ટોરંટને વોલ્ધામ ફોરેસ્ટ કાઉન્સિલે લગભગ £25,000નો દંડ ફટકાર્યો છે. “જાહેર આરોગ્ય માટે જોખમ હોવાને કારણે રેસ્ટોરન્ટને બંધ કરવાની ફરજ પડી હતી.

એન્વાયર્નમેન્ટ હેલ્થ અધિકારીઓએ ઓગસ્ટ 2022માં ખાદ્ય સંગ્રહ અને ભોજનની તૈયારીના ક્ષેત્રો સહિત સમગ્ર બિઝનેસમાં “ઉંદરો હોવાના સ્પષ્ટ સંકેતો” અને ડ્રોપિંગ્સ શોધ્યા હતા. KFC આઉટલેટમાં “સ્વચ્છતાનું ખૂબ જ નબળું સ્તર” જણાયું હતું.  બ્રેડિંગ ફ્લાવરની ઉંદરે કોતરેલી કોથળીઓ સ્ટોરરૂમમાં પડી હતી અને ફ્લોરમાં ઉંદરે કરેલુ મોટ છિદ્ર દેખાયું હતું તો પાછળના યાર્ડમાં ગટર ખુલ્લી હતી. મહત્વપૂર્ણ સુધારાઓ કરાયા બાદ, બ્રાન્ચે 2023 થી ફોર-સ્ટાર હાઇજીન રેટિંગ પ્રાપ્ત કર્યું છે.

ફ્રેન્ચાઇઝી ટ્રિપલ ડી લિમિટેડ અને તેના ચીઝીક સ્થીત ડિરેક્ટર અબ્દુલ દારુવાલાએ સ્વચ્છતાના નબળા સ્તર બાબતના બે ગુનાઓ માટે દોષી હોવાનું કબૂલ્યું હતું. જે ફૂડ સેફ્ટી એન્ડ હાઇજીન (ઇંગ્લેન્ડ) રેગ્યુલેશન્સ 2013 હેઠળ ગુનો છે. 12 માર્ચે થેમ્સ મેજિસ્ટ્રેટ કોર્ટે ફ્રેન્ચાઇઝી કંપનીને £22,000નો દંડ વત્તા ખર્ચમાં £2,339નો દંડ ફટકાર્યો હતો. 76 વર્ષીય દારુવાલાને £1,115નો દંડ અને વિક્ટીમ સરચાર્જ પેટે £446 ચૂકવવા આદેશ અપાયો હતો.

KFC UK&I ના પ્રવક્તાએ કહ્યું હતું કે “રેસ્ટોરંટનું જવાબદારીપૂર્વક સંચાલન કરવું એ અમારી પ્રથમ નંબરની પ્રાથમિકતા છે અને અમારી તમામ રેસ્ટોરાંની ગુણવત્તા અને સ્વચ્છતાના ધોરણોને સુનિશ્ચિત કરવા અમારી પાસે કડક પ્રક્રિયાઓ છે.’’

ગયા મે માસમાં, ચીઝબર્ગરના રેપરમાં માઉસના ડ્રોપિંગ્સ મળી આવ્યા બાદ તે જ રોડ પર આવેલી મેકડોનાલ્ડની શાખાને £475,000નો દંડ ફટકારવામાં આવ્યો હતો.

LEAVE A REPLY

16 − fourteen =