કિંગે ચાર્લ્સને એશિયન સુમદાય પર વિશેષ લાગણી છે અને ભારત સાથેનું તેમનું જોડાણ તો ખૂબ જ વિખ્યાત છે. તેઓ ભારતના અક્ષરધામ અને લંડનના નીસડન સ્વામિનારાયણ મંદિર સહિત દાઉદી વ્હોરા મસ્જિદ, નોર્થોલ્ટની મુલાકાત પણ લઇ ચૂક્યા છે.

તત્કાલિન પ્રિન્સ ઓફ વેલ્સ અને ધ ડચેસ ઓફ કોર્નવોલે 8 નવેમ્બર, 2013ના રોજ સ્વામિનારાયણ અક્ષરધામ, નવી દિલ્હી, ભારતની મુલાકાત લીધી હતી. જ્યાં પ્રિન્સ ચાર્લ્સનું ફૂલોની માળા પહેરાવી ચાંદલો કરી પૂ. આત્મસ્વરૂપ સ્વામીએ સ્વાગત કર્યું હતું. તો ડચેસ કેમિલાનું BAPS મહિલા મંચના મુખ્ય સ્વયંસેવક રોહિણી પટેલ દ્વારા પણ પરંપરાગત રીતે સ્વાગત કરાયું હતું. શાહી દંપત્તિએ સ્વામિનારાયણ અક્ષરધામ મંદિરની પ્રશંસા કરી હતી.

તો 2009માં શાહી દંપત્તીએ હોળી પર્વે લંડનના નિસડન સ્થિત સ્વામિનારાયણ મંદિર તથા સ્કૂલની મુલાકાત લીધી હતી. જ્યાં મંદિરના વડા અને સંત પૂ. યોગવિવેક સ્વામીએ તેમનું પરંપરાગત રીતે ચાંદલો અને નાડાછડી બાંધીને સ્વાગત કર્યું હતું. મહિલા પાંખની યુવા પ્રવૃત્તિઓના રાષ્ટ્રીય સંયોજક શ્રીમતી પૂજા પટેલે ડચેસનું સ્વાગત કર્યું હતું. તેમણે મંદિરના સુંદર મનમોહક કોતરણીકામ, આર્કિટેક્ચર અને શાળાના બાળકોને મળીને શાળાના વખાણ કર્યા હતા.

બ્રિટનમાં એશિયન સમુદાયના યોગદાનની ઉજવણી કરવા માટે કિંગ ચાર્લ્સ અને ક્વીન કોન્સોર્ટ કેમિલાએ હજુ બે મહિના પહેલા 1 ફેબ્રુઆરીના રોજ બકિંગહામ પેલેસ ખાતે એશિયન સમુદાયના સભ્યો માટે એક રિસેપ્શનનું આયોજન કર્યું હતું.  તે પ્રસંગે ફેશન ડિઝાઇનર્સ એલેક્સા ચુંગ, જ્હોન રોચા અને સેલેન્ગોરના ક્રાઉન પ્રિન્સ સહિત આર્ટસ, મીડિયા, ફેશન, બિઝનેસ અને હેલ્થકેર ક્ષેત્રના 300 થી વધુ મહેમાનો બકિંગહામ પેલેસમાં ઉપસ્થિત રહ્યાં હતાં.

કિંગ ચાર્લ્સ જ્યારે પ્રિન્સ હતા ત્યારે તેમણે એશિયન દેશોને મદદ કરવા અર્થે બ્રિટિશ એશિયન ટ્રસ્ટની સ્થાપના કરી હતી જેના અધ્યક્ષ તરીકે હાલમાં લોર્ડ જીતેશ ગઢિયા સેવા આપી રહ્યા છે. બ્રિટિશ એશિયન ટ્રસ્ટ દ્વારા એશિયન દેશોમાં સખાવતી પ્રવૃત્તિ અને વિકાસ માટે કામ કરવામાં આવે છે.

LEAVE A REPLY

nineteen + 3 =