Kirit-Modi-MBE

નેશનલ કિડની ફાઉન્ડેશનના માનદ પ્રમુખ, જૈન અને હિંદુ સ્ટીયરિંગ ગ્રૂપ ઓન ઓર્ગન ડોનેશન (JHOD) અને લિસ્ટર એરિયા કિડની પેશન્ટ્સ એસોસિયેશન અને જૈન – હિન્દુ સ્ટીયરિંગ ગ્રુપના અધ્યક્ષ શ્રી કિરીટ મોદીને બ્લેક, એશિયન અને લઘુમતી વંશીય સમુદાયોમાં અંગદાન માટેની સેવાઓ બદલ MBE એવોર્ડ એનાયત કરાયો છે.

લાંબા સમયથી કિડની અને ટ્રાન્સપ્લાન્ટ માટે સેવા આપતા કિરીટ મોદી નેશનલ બ્લેક, એશિયન એન્ડ માઈનોરિટી એથનિક (BAME) ટ્રાન્સપ્લાન્ટ એલાયન્સ (NBTA)ના માનદ પ્રમુખ છે.

કિરીટભાઇએ અવારનવાર ઓલ પાર્ટી પાર્લામેન્ટરી કિડની ગ્રૂપની બેઠકોમાં રજૂઆતો કરી છે અને BAME મુદ્દાઓ અને જીવંત કિડની દાનને આવરી લેતા પરિવર્તન માટે બે મેનિફેસ્ટો લખ્યા છે. તેઓ કોમ્યુનિટી ઈન્વેસ્ટમેન્ટ સ્કીમ ચલાવવા માટેના પ્રોજેક્ટ બોર્ડના સભ્ય છે.

2018 માં, કિરીટભાઇને અંગદાન પરના તેમના કાર્ય માટે વડા પ્રધાન તરફથી પોઈન્ટ્સ ઓફ લાઈટ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

તેમણે કહ્યું હતું કે “મારા સમર્પિત સાથીદારો સાથે કામ કરવાનો ખૂબ આનંદ છે. કિડનીના દર્દીઓના જીવનમાં સુધારો કરવા, ઘણા વર્ષોથી અંગ દાનને પ્રોત્સાહન આપવા અને મને કરાયેલી મદદ માટે હું NHS સ્ટાફનો ખૂબ આભારી છું. આ સન્માન મારું કામ ચાલુ રાખવાની વધુ તકો પૂરી પાડશે.”

એનકેએફના ચીફ એક્ઝિક્યુટિવ, એન્ડ્રીયા બ્રાઉને કહ્યું હતું કે “કિરીટને MBE એવોર્ડ એનાયત થયો તે સાંભળી આનંદ થયો છે. તેમણે ઘણા વર્ષોથી કિડનીના દર્દીઓ માટે અથાક મહેનત કરી છે.”

NKFના અધ્યક્ષ, જિમ હિગિન્સે કહ્યું હતું કે “ખૂબ જ આનંદ છે કે NKFના માનદ પ્રમુખ કિરીટ મોદીને BAME સમુદાયમાં અંગદાનની સેવાઓ માટે MBE એનાયત કરાયો છે. મને ઘણા વર્ષોથી કિરીટ સાથે કામ કરવાનું સન્માન મળ્યું છે. હું કિરીટને અભિનંદન આપુ છું.”