વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના વિવિધ વિસ્તારોમાં ખેતરોમાં જંતુનાશક દવાઓના છંટકાવ અને બીજા બીજા કૃષિ ઉપયોગો માટે 100 કિસાન ડ્રોનને લીલીઝંડી આપી હતી. (PTI Photo)

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના વિવિધ વિસ્તારોમાં ખેતરોમાં જંતુનાશક દવાઓના છંટકાવ અને બીજા બીજા કૃષિ ઉપયોગો માટે 100 કિસાન ડ્રોનને લીલીઝંડી આપી હતી. આ પ્રસંગે મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ડ્રોન ક્ષેત્રમાં ભારતની વધતી જતી ક્ષમતા વિશ્વને નવું નેતૃત્વ પૂરું પાડશે.

ડ્રોનના વિવિધ ઉપયોગ અંગે મોદીએ જણાવ્યું હતું કે ગામડામાં જમીન માલિકીના રેકોર્ડ તૈયાર કરવાના ઉદ્દેશ સાથેની સ્વામિત્વ યોજના તથા દવાઓ અને વેક્સિનની હેરફેર માટે ડ્રોનનો ઉપયોગ થયો છે. કિસાન ડ્રોન નવી ક્રાંતિનો પ્રારંભ છે. ખેડૂતો આગામી સમયમાં ફળ, શાકભાજી, ફુલો જેવી પેદાશોને ઓછામાં ઓછા સમયમાં બજારમાં લઇ જવા માટે ઊંચી ક્ષમતાના ડ્રોનનો ઉપયોગ કરી શકશે.

મોદીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે ડ્રોન સ્ટાર્ટ-અપનું નવું કલ્ચર ભારતમાં સજ્જ બન્યું છે. આવા સ્ટાર્ટ-અપની સંખ્યા હાલમાં 200 છે, જે ટૂંકસમયમાં વધીને હજારો થશે. તેનાથી મોટાપાયે રોજગારીનું સર્જન થશે.આ ક્ષેત્રના વિકાસમાં કોઇ અવરોધ ન આવે તેને સરકાર સુનિશ્ચિત કરશે અને સરકારે આ ક્ષેત્રના વિકાસ માટે ઘણા સુધારા અને નીતિવિષયક પગલાં લીધા છે. જો યોગ્ય નીતિ હોય તો દેશ કેવી ઊંચાઈ સર કરી શકે તેનું આ ઉદાહરણ છે.
વડાપ્રધાને જણાવ્યું હતું કે ડ્રોન ક્ષેત્રમાં ખુલ્લી મૂકવા અંગે આશંકા કરવામાં તેમની સરકારે કોઇ સમય વેડફ્યો ન હતો અને ભારતના યુવાનોની કુશળતા પર વિશ્વાસ મૂક્યો હતો અને નવી વિચારસરણી સાથે આગળ વધી હતી. તેમની સરકારે બજેટ અને નીતિવિષયક પગલાંમાં ટેકનોલોજી અને ઇનોવેશનને અગ્રતા આપી છે.