ભારત સરકારે તેના 85મા ‘નો ઇન્ડિયા પ્રોગ્રામ (KIP) શરૂ કરવાની જાહેરાત કરી છે, જેમાં વિશ્વભરમાં રહેતા ભારતીય ડાયસ્પોરાના યુવાનોને તેમના પૂર્વજોના વતન સાથે સાંસ્કૃતિક, આર્થિક અને જ્ઞાન-આધારિત જોડાણને વધુ ગાઢ બનાવવાના ઉદ્દેશ્યથી આ પહેલમાં ભાગ લેવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે.
ભારતમાં 6થી 27 જાન્યુઆરી, 2026 દરમિયાન યોજાનાર આ પ્રોગ્રામમાં 21થી 35 વર્ષની ઉંમરના લોકોને કલા અને વારસાથી લઈને વિજ્ઞાન, ટેકનોલોજી, નવીનતા અને આર્થિક વિકાસ સુધીના દેશના સમૃદ્ધ ઇતિહાસથી માહિતગાર કરાશે. 2003-04માં શરૂ થયેલા આ કાર્યક્રમ અંતર્ગત વિશ્વભરમાંથી 3,000 જેટલા ભારતીય મૂળના યુવાનોએ તેનો લાભ લીધો છે. આ ખાસ આવૃત્તિ સહભાગીઓને ૧૨ જાન્યુઆરી ૨૦૨૬ ના રોજ રાષ્ટ્રીય યુવા મહોત્સવ દરમિયાન વિકાસ ભારત યંગ લીડર્સ ડાયલોગમાં જોડાવાની તક આપે છે.
આ પ્રોગ્રામમાં ભારત વિશે જાણવા ઇચ્છતા યુવાનો અને પર્સન્સ ઓફ ઇન્ડિયન ઓરિજિન (PIO) ભાગ લઇ શકે છે. આ પ્રોગ્રામમાં ભાગ લેવા માટે અરજી કરવાની અંતિમ તારીખ 8 ડિસેમ્બર 2025 છે અને વધુ વિગતો માટે નજીકની ઇન્ડિયન એમ્બેસી, હાઇ કમિશન અથવા કોન્સ્યુલેટનો સંપર્ક કરવો.
યુકેના યુવાનો પોતાની અરજીઓ ઈમેલ [email protected] પર સબમિટ કરી શકશે.














