વિશ્વની પાંચમી સૌથી મોટી ફૂડ કંપની ક્રાફ્ટ હેઈન્ઝે ગુરુવારે ગુજરાતમાં તેનું પ્રથમ ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર (GCC) અમદાવાદ ખાતે શરૂ કર્યું હતું. કંપનીએ આગામી ત્રણ વર્ષમાં રાજ્યમાં 1,800થી વધુ વ્યાવસાયિકોની ભરતી કરવાના ઉદ્દેશ્ય સાથે સમગ્ર ગુજરાતમાં તેમની કામગીરી વિસ્તારવા માટે એક એમઓયુ પર હસ્તાક્ષર કર્યા હતાં.
ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને ઉદ્યોગ પ્રધાન બળવંતસિંહ રાજપૂતની હાજરીમાં ગાંધીનગરમાં ક્રાફ્ટ હેઈન્ઝ કંપનીના ગ્લોબલ બિઝનેસ સર્વિસના વડા સર્જ ડી વોસ અને વિભાગના સચિવ શ્રી વિજય નેહરા વચ્ચે એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે, ગુજરાતમાં ઇઝ ઓફ ડુઈંગ બિઝનસ માટેના સાનુકૂળ વાતાવરણની પ્રતીતિનું ઉદાહરણ ગ્લોબલ કેપેબિલિટી સેન્ટરની શરૂઆત થકી વધુ એકવાર પ્રસ્થાપિત થયું છે. ક્રાફટ હેઇન્ઝ સર્જ ડી વોશે મુખ્યપ્રધાન સાથેની વાતચીત દરમિયાન કહ્યું કે આવા કેન્દ્રની સ્થાપના અંગે પ્રારંભિક ચર્ચા કર્યા પછી ક્રાફ્ટ હેઈન્ઝે તરત જ નિર્ણય લીધો હતો અને 6 મહિનામાં રાજ્યમાં તેમના પ્રથમ ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર (GCC)ની સ્થાપના કરી છે.
સર્જ ડી વોસે જણાવ્યું હતું કે, “અમદાવાદમાં વૈશ્વિક ક્ષમતા કેન્દ્ર સ્થાપવા માટે તેઓ ગુજરાત સરકાર સાથે તેમની ભાગીદારીની જાહેરાત કરવા માટે ઉત્સાહિત છે. શહેરનું સ્ટ્રેટેજિક લોકેશન, મજબૂત ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સ્કીલ્ડ ટેલેન્ટ પૂલ કંપનીના આઈટી, એનાલિટિક્સ, ગ્લોબલ બિઝનેસ સર્વિસિસ, ફાઈનાન્સ અને સપ્લાય ચેઈનમાં મહત્વાકાંક્ષી પ્રયાસો માટે એક આદર્શ પસંદગી છે.સ્થાનિક પ્રતિભા અને સંસાધનોનો ઉપયોગ કરીને, તે ઓપરેશનલ કાર્યક્ષમતા, નવીનતા પર ધ્યાન કેન્દ્રિત કરશે.