ભૂતપૂર્વ મિસ યુનિવર્સ લારા દત્તાએ અભિનયની બીજી ઈનિંગ શરૂ કરી છે અને તે હવે વેબસિરીઝ દ્વારા નવી ઓળખ ઊભી કરી રહી છે. તાજેતરમાં સ્ટ્રીમ થઈ રહેલી સિરીજ ‘ચાર્લી ચોપરા એન્ડ મિસ્ટ્રી ઓફ સોલાંગ’ વેલીમાં લારાનો મહત્ત્વનો રોલ છે.
લારાએ સોશિયલ મીડિયાના દુરુપયોગ અંગે વાત કરતાં જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયા અને ઈન્ટરનેટના કારણે દરેક વ્યક્તિ હેલ્થ એક્સપર્ટ બની ગઈ છે અને તેની ઘાતક અસરો આવી રહી છે. હેલ્થ બાબતે સંશોધનમાં પોતાનો સમય અને શક્તિ લગાડનારા પ્રોફેશનલની મદદ લેવા લારાએ સલાહ આપી હતી. કારણ કે, આવા લોકો પાસે વિષયની ઊંડી સમજણ હોય છે.
લારા દત્તાએ ‘એમ્પાવરિંગ મેનોપોઝ કન્વર્ઝેશન’ વિષય પર મહિલાઓમાં જાગૃતિ લાવવા પ્રયાસ કર્યો હતો. લારાએ કહ્યું હતું કે, આજે આપણી પાસે ગૂગલ, ઈન્સ્ટાગ્રામ જેવા ઘણા સ્ત્રોતો છે અને તેના કારણે આપણે ડોક્ટર બની ગયાં છીએ. આપણા પર સતત ઈન્ફર્મેશનનો મારો ચાલે છે.
તમારા જીવનમાં શું ચાલે છે તે પણ અજાણ્યું રહ્યું નથી. ભૂલથી કોઈ એક લિન્ક પર ક્લિક થઈ જાય તો પણ અલગોરિધમના કારણે તમારા પર એ જ વસ્તુની અનેક પોસ્ટ મળતી જશે.
સોશિયલ મીડિયા પોસ્ટમાં સામાન્ય રીતે કહેવાય છે કે, કોઈ એક ઉપાયથી પોસ્ટ મૂકનારને લાભ થાય છે. પરંતુ દરેક વ્યક્તિના અનુભવ અલગ હોય છે અને તેની સ્થિતિ પણ અલગ હોય છે. અલગ-અલગ વ્યક્તિ અને સંજોગો માટે કોઈ એક ઉપાય કઈ રીતે અસરકારક રહી શકે? સારી માહિતી મેળવવા માટે સમય, શક્તિ અને નાણાં રોકીને રિસર્ચ કરનારા વ્યક્તિ પાસે જ જવું જોઈએ.













