પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

બ્રિટને તેના રેડ લિસ્ટમાં ન આવતા દેશોમાંના ફુલી વેક્સિનેટેડ પેસેન્જર્સ માટે પીસીઆરની જગ્યાએ સસ્તાં લેટરલ ફ્લો ટેસ્ટનો રવિવાર, 24 ઓક્ટોબરથી પ્રારંભ કર્યો છે. પેસેન્જર્સ અને 18 વર્ષથી નીચેના લોકો ઇંગ્લેન્ડમાં તેમના આગમન સમયે કે બે દિવસ પહેલા આ ટેસ્ટનો ઉપયોગ કરી શકે છે.

તે માટેનું બુકિંગ શુક્રવાર, (22 ઓક્ટોબર) ચાલુ થયું હતું અને ટેસ્ટ દીઠ 22 પાઉન્ડ ચુકવીને GOV.UK પર લિસ્ટેડ પ્રાઇવેટ પ્રોવાઇડર્સ પાસેથી તેની ખરીદી કરી શકાશે. પેસેન્જર્સે ટેસ્ટ રિઝલ્ટનો ફોટો આ પ્રાઇવેટ પ્રોવાઇડરને મોકલવાનો રહેશે. જો આવું નહીં કરે તો 1,000 પાઉન્ડનો દંડ થશે. જો કોઇ પોઝિટિવ આવે તો તેઓએ ફ્રી એનએચએસ કન્ફર્મેટરી પીસીઆર ટેસ્ટ કરવાનો રહેશે અને આઇસોલેટ થવું પડશે. સરકારે જણાવ્યું હતું કે ટ્રાવેલ માટે પીસીઆરની ખરીદી કરી દીધી છે તેવા લોકોએ બીજા ટેસ્ટની ખરીદી કરવાની જરૂર નથી, કારણ કે પીસીઆર પણ ઉપયોગ થઈ શકે છે.

હેલ્થ સેક્રેટરી સાજિત જાવેદે જણાવ્યું હતું કે તેનાથી ટ્રાવેલ ઇન્ડસ્ટ્રીને મોટો વેગ મળશે અને લોકો માટે હોલિડે બુક કરવાનું વિદેશમાં પ્રવાસ કરવાનું સરળ અને સસ્તું બનશે. અમારા અસાધારણ વેક્સિન પ્રોગ્રામને કારણે આ શક્ય બન્યું છે.

જો કોઇ વ્યક્તિ પોઝિટિવ આવશે તો તેનો પીસીઆર ટેસ્ટ થશે. જો પીસીઆર ટેસ્ટ પણ પોઝિટિવ આવશે તો વેરિયન્ટનું ચેકિંગ કરવા જિનોમિકલી સિકવન્સ ટેસ્ટ થશે.

ટ્રાન્સપોર્ટ સેક્રેટરી ગ્રાન્ટ શેપ્સે જણાવ્યું હતું કે પોસ્ટ એરાઇવલ ટેસ્ટ માટે નિયમોમાં ફેરફારથી પેસેન્જર્સને વધુ વિકલ્પો અને ઝડપી રિઝલ્ટ મળશે. તમામ મુસાફરોએ ટ્રાવેલ પહેલા તેમનું પેસેન્જર લોકેટર ફોર્મ ભરવાનું રહેશે, જેમાં ટેસ્ટિંગ પ્રોવાઇડરે આપેલા ટેસ્ટ બુકિંગ રેફરન્સ નંબરનો ઉલ્લેખ કરવો પડશે.