Liz Truss
(Photo by OLI SCARFF/AFP via Getty Images)

વડા પ્રધાન પદના પૂર્વ ઉમેદવાર અને ચાન્સેલર નાધિમ ઝહાવી, ટોરી બેકબેન્ચર અને કોમન્સ ફોરેન અફેર્સ કમિટીના અધ્યક્ષ ટોમ ટૂગેન્ધાત, પેની મોર્ડન્ટ તથા યુકેના ડીફેન્સ સેક્રેટરી બેન વોલેસે કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા અને આગામી બ્રિટિશ વડા પ્રધાન તરીકે ચૂંટાવાના અભિયાનમાં લીઝ ટ્રસને સમર્થન આપ્યું છે.  સ્કોટિશ પાર્લામેન્ટના નવ ટોરી સભ્યોએ પણ ટ્રસને સમર્થન આપ્યું છે.

યુકેના ડીફેન્સ સેક્રેટરી બેન વોલેસે વડા પ્રધાનની રેસમાં ટ્રસને સમર્થન આપી જણાવ્યું છે કે ‘’ફોરેન સેક્રેટરી લીઝ ટ્રસ અધિકૃત, પ્રામાણિક અને અનુભવી છે અને તેમને દેશના પડકારોનો સામનો કરવાનો અનુભવ છે.’’

અઠવાડિયા પહેલા લિઝ ટ્રસ સાથે નેતૃત્વની રેસમાં અંતિમ બેમાં સ્થાન મેળવવા માટેના કડવા હરીફ પેની મોર્ડન્ટે લીઝ ટ્રસને ટેકો આપી ટ્રસના વખાણ કરી તેમને “આશાના ઉમેદવાર” તરીકે ઓળખાવ્યા હતા. તેણીએ ઉમેર્યું હતું કે પક્ષના સભ્યો “દેશને ટૂંકમાં બદલી નાખશે” અને જો તેઓ ખોટો નિર્ણય લેશે તો “ચૂંટણી હારી શકે છે.”

બીજી તરફ શ્રી સુનકને વરિષ્ઠ ટોરી સાંસદો અને ભૂતપૂર્વ કેબિનેટ મંત્રીઓ લિયામ ફોક્સ અને ડેમિયન ગ્રીનનો ટેકો મળ્યો છે.

‘ધ ટાઈમ્સ’ના અન્ય અહેવાલ મુજબ, સુનકના ભૂતપૂર્વ બોસ બોરિસ જૉન્સન પણ તેમના માટે દિલગીર છે. જૉન્સનના એક મિત્રનું કહેવું છે. “ઋષિ દૂષિતોના ટોળા સાથે પ્રવેશ્યા હતા જે લોકોએ બોરિસ સામેના વેરના ભાગ રૂપે સુનકનો ઉપયોગ કર્યો હતો. હવે ઋષી માટે શું ભવિષ્ય છે?’’

પ્રારંભિક શોર્ટલિસ્ટમાં રહેલા ટોમ ટૂગેન્ધાતે ‘ધ ટાઇમ્સ’ અખબારમાં લખતાં જણાવ્યું હતું કે ‘’તાત્કાલિક ટેક્સ કાપના વચન સાથે ટ્રસની ઝુંબેશની પીચને પ્રાધાન્ય આપવાનું મને યોગ્ય લાગ્યું છે. મને ખાતરી છે કે તેઓ તૈયાર છે. લિઝ હંમેશા દેશ અને વિદેશમાં બ્રિટિશ મૂલ્યો માટે ઊભા રહ્યા છે. તેણીના સુકાન સાથે, મને કોઈ શંકા નથી કે અમે આ દેશને વધુ સુરક્ષિત બનાવવાના નિર્ધાર સાથે આગળ વધીશું. બંને દાવેદારોમાં વિશાળ ગુણો અને ઘણી પ્રતિભા છે.’’