મહાશિવરાત્રીના મેળામાં આ વખતે ભાવિકોની વિક્રમી સંખ્યા નોંધાય તો નવાઇ નહીં. આજે શિવરાત્રી મેળાનો છેલ્લો દિવસ છે. ગઇકાલે ચોથા દિવસે મેળામાં 4 લાખ ભાવિકો આવ્યાનો અંદાજ છે. આજે સવારથી જ ભાવિકોનો પ્રવાહ ભવનાથ તળેટી તરફ વહેતો જોવા મળે છે. વાહનો કરતાં પગપાળા જનારની સંખ્યા વધુ છે. આજે જો ભીડ વધુ હશે તો ભરડાવાવથી જ તમામ વાહનો માટે પ્રવેશ બંધ કરવામાં આવનાર છે.

રાત્રે સાધુ સંતોની રવાડી નીકળશે જે મૃગીકુંડમાં શાહી સ્નાન કરશે અને આ સાથે જ મેળાની પૂર્ણાહુતિ થશે. મેળામાં ભીડ વધતાં ખાણીપીણી, રમકડાં, પાથરણાવાળા સહિત તમામ પ્રકારના ધંધાર્થીઓને સારી એવી કમાણી થઇ છે. ભવનાથ પોલીસ સ્ટેશનથી દત્ત ચોક તેમજ અન્ય રસ્તાઓ પર માણસોની સાથે વાહનો પણ આવી જતાં અવારનવાર ટ્રાફિક જામ થતો રહે છે.

અખાડાઓ તેમજ રોડની સાઇડે ધુણો ધખાવીને બેસેલા નાગા સાધુઓ પાસે શ્રદ્ધાળુઓના ટોળા વળી રહ્યા છે. ખાસ કરીને રવાડીમાં ઇષ્ટદેવની પૂજા, પાલખીના શણગાર માટેના ફૂલ, પૂજા સામગ્રી, નૈવેદ્ય જેવી વ્યવસ્થા માટેનો દોર આજે ચાલુ રહ્યો હતો. તો રવાડીના રૂટને આજે નમતી બપોરથી બેરીકેટથી બંધ કરાશે. બાદમાં તેની સફાઇ, પાણીનો છંટકાવ અને બોમ્બ સ્કવોડથી ચેક કરવામાં આવનાર છે.

રવાડી મધરાત્રે 12 વાગ્યે ભવનાથ મંદિરે મૃગીકુંડમાં નાગા સાધુઓના સ્નાન સાથે સંપન્ન થશે. રવાડીનો રૂટ જૂના અખાડા, આહીર સમાજની જગ્યા, દત્ત ચોક, ભવનાથ પોલીસ સ્ટેશનથી રૂપાયતન ગેઇટ, ભારતી આશ્રમ, અગ્નિ અખાડા, ભવનાથ મંદિરનો રહેશે.