ભારતના ભાગેડુ ઉદ્યોગપતિ વિજય માલ્યાને સોમવારે યુકે હાઈકોર્ટે મોટો ઝટકો માર્યો હતો. હાઇકોર્ટે માલ્યાને નાદાર જાહેર કર્યા હતા. આ ચૂકાદાના પગલે હવે પછી વિજય માલ્યાની સંપત્તિ જપ્ત કરી શકાશે. યુકેની ચીફ ઈન્સોલ્વન્સીઝ એન્ડ કંપની કોર્ટના ન્યાયાધીશ માઇકલ બ્રિગ્સે હાઈકોર્ટમાં વર્ચ્યુઅલ સુનાવણી દરમિયાન કહ્યું – હું ડોક્ટર વિજય માલ્યાને નાદાર જાહેર કરું છું.
ભારતીય બેંકનું પ્રતિનિધિત્વ કરતા લો ફર્મ ટીએલટી એલએલપી અને બેરિસ્ટર માર્સિયા શેકરડેમિયને ભારતીય બેંકોની તરફેણમાં નાદારી ઓર્ડર માટે દલીલ કરી હતી. 65 વર્ષના, હવે નાદાર ઉદ્યોગપતિ તેમનો બ્રિટનમાં એક કેસ પેન્ડિંગ છે ત્યાં સુધી જામીન પર રહી શકે છે. તેનો એક “ગોપનીય” કાનૂની કેસ, જે આશ્રયની અરજી સાથે સંબંધિત હોવાનું માનવામાં આવે છે તે નિકાલ માટે બાકી છે, કારણ કે પ્રત્યાર્પણની કાર્યવાહીથી અલગ કેસ છે.
અત્રે ઉલ્લેખનિય છે કે સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાના વડપણ હેઠળના ભારતીય બેન્કોનાં એક કન્સોર્ટિયમે એપ્રિલમાં લંડન હાઇકોર્ટમાં સુનાવણી દરમિયાન ભાગેડું ઉદ્યોગપતિને નાદાર જાહેર કરવાનાં જબરદસ્ત પ્રયાસો કર્યા હતાં, વિજય માલ્યા તેમની બંધ થઇ ચુકેલી કિંગ ફિશર એરલાઇન્સને આપવામાં આવેલી લોનનાં 9,000 કરોડ રૂપિયા નહીં ચુકવવાનાં આરોપી છે.
વિજય માલ્યાનું કહેવું છે કે તેના પર જે લોન છે તે જનતાના પૈસા છે. બેંકો તેને નાદાર ન જાહેર કરી શકે. આ સાથે જ માલ્યાએ દાવો કર્યો હતો કે ભારતીય બેંકો તરફથી નાદારીની અરજી કાયદાની બહાર છે. કારણ કે ભારતમાં તેમની સંપત્તિની સુરક્ષા લગાવવામાં આવી શકે નહીં કારણ કે તે ભારતમાં લોકોના હિતની વિરુદ્ધ છે.














